Nagla Village Rehabilitation: વાવ-થરાદ જિલ્લાના નાગલા ગામના ગ્રામજનો માટે આજનો દિવસ ઐતિહાસિક અને યાદગાર બની રહ્યો હતો. વર્ષોથી પુનર્વસનની આશા રાખીને બેઠેલા પરિવારોની લાંબી પ્રતીક્ષાનો અંત લાવી, પુનર્વસન યોજના અંતર્ગત કુલ 371 લાભાર્થી પરિવારોને પ્લોટની સનદોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સનદો માત્ર જમીનના કાગળો ન બની રહેતાં, ગ્રામજનોના સુરક્ષિત ભવિષ્ય અને નવી શરૂઆતની આશાનું પ્રતીક બની રહી છે. સમગ્ર કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ શર્માના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
પરિવારોને મળી ઘટના પ્લોટની સનદ
નાગલા ગામમાં પુનર્વસનની પ્રક્રિયા વર્ષ 2016-17થી શરૂ થઈ હતી, પરંતુ જમીન અને વહીવટી મંજૂરીઓની જટિલતાને કારણે વર્ષો સુધી આ મામલો વિલંબિત રહ્યો હતો. ગ્રામજનોની આ વેદનાને વાચા આપીને થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રશ્નને પ્રાથમિકતા આપી અંગત રસ લીધો હતો. તેમના સતત ફોલોઅપ, ઉચ્ચ સ્તરે થયેલી સંવેદનશીલ રજૂઆતો અને સંનિષ્ઠ પ્રયાસોના ફળસ્વરૂપે તા. 13/08/2023ના રોજ રાજ્ય સરકાર દ્વારા પુનર્વસન યોજનાને અંતિમ મંજૂરી મળી શકી હતી. શંકરભાઈ ચૌધરીના સતત માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા તમામ કાયદાકીય પ્રક્રિયાઓ ઝડપભેર પૂર્ણ થતાં આજે 371 પરિવારોને પોતાના ઘરના પ્લોટની સનદ મળી શકી છે.
લાભાર્થી પરિવારોમાં ખુશીનો માહોલ
કાર્યક્રમ દરમિયાન પોતાના હકના પ્લોટની સનદ મળતાં લાભાર્થી પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ગ્રામજનોએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગામના આગેવાન જીવરાજભાઈ પટેલે જણાવ્યું હતું કે, પુનર્વસન યોજનામાં જે કોઈ લાભાર્થીઓ ટેકનિકલ કારણોસર બાકી રહી ગયા છે, તેમને પણ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરાવી ટૂંક સમયમાં લાભ અપાશે. આ ઉપરાંત, પુનર્વસન વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી અને પ્રાથમિક સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ કરાવવા માટે પણ તમામ પ્રયાસો ચાલુ રહેશે તેવી તેમણે ખાતરી આપી હતી.
નાગલા ગામના લોકોએ આભાર માન્યો
આ પ્રસંગે સરપંચ દેવશીભાઈ પટેલે જણાવ્યું હતું કે, એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં પરિવારોને પ્લોટની સનદોનું વિતરણ કરીને વહીવટી તંત્ર અને નેતૃત્વએ સમગ્ર ગુજરાતમાં એક ઉત્તમ અને પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે. વર્ષોથી અટકેલા આ જટિલ પ્રશ્નને ઉકેલીને ગરીબ પરિવારોને માથે છત આપવાનું આ ભગીરથ કાર્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના સંનિષ્ઠ પ્રયાસો અને સંવેદનશીલ અભિગમને કારણે જ શક્ય બન્યું છે, જે બદલ તેમણે સમગ્ર નાગલા ગામ વતી અધ્યક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો.
