Ayushman Bharat Yojana: ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના 'સુશાસન'ના વિઝનને સાકાર કરતી આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) આજે બનાસકાંઠા જિલ્લાના લાખો પરિવારો માટે સંકટ સમયની સાંકળ સાબિત થઈ રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ગંભીર બીમારીઓ સમયે આર્થિક પાયમાલીમાંથી બચાવવા માટે આ યોજના એક મજબૂત આરોગ્ય કવચ બનીને ઉભરી છે.
બનાસકાંઠામાં યોજનાની અભૂતપૂર્વ સફળતા
બનાસકાંઠા જિલ્લાના RCHO ડૉ. બ્રિજેશ વ્યાસના જણાવ્યા અનુસાર, છેલ્લા અઢી વર્ષમાં જિલ્લામાં આ યોજના અંતર્ગત કુલ 1,66,130 ક્લેમ નોંધાયા છે, જેના બદલામાં સરકાર દ્વારા ₹382.39 કરોડની રકમ ચૂકવવામાં આવી છે. વર્ષવાર આંકડાઓ પર નજર કરીએ તો યોજનાનો વ્યાપ સતત વધી રહ્યો છે:
આ પણ વાંચો
- વર્ષ 2023: 64,244 લાભાર્થીઓએ ₹150 કરોડની મફત સારવાર મેળવી.
- વર્ષ 2024: 70,959 લોકોએ આયુષ્માન કાર્ડ દ્વારા ₹165 કરોડના ક્લેમ મેળવ્યા.
- વર્ષ 2025 (અત્યાર સુધી): 30,949 લોકોએ લાભ લીધો અને આશરે ₹67 કરોડના ક્લેમ ચૂકવાયા છે.
10 લાખ સુધીની મફત અને કેસલેસ સારવાર
ગુજરાત સરકાર દ્વારા આ યોજના હેઠળ મળતી સહાયની મર્યાદા વધારીને રૂપિયા 10 લાખ કરવામાં આવી છે. આયુષ્માન કાર્ડ ધરાવતા જરૂરિયાતમંદ પરિવારો નિયત કરેલી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં તમામ પ્રકારની ગંભીર બીમારીઓ અને શસ્ત્રક્રિયાઓ માટે સંપૂર્ણપણે કેસલેસ સારવાર મેળવી શકે છે. આનાથી સામાન્ય નાગરિકોના 'આઉટ ઓફ પોકેટ' મેડિકલ ખર્ચમાં મોટો ઘટાડો થયો છે.
સુશાસનનું પ્રતીક: વય વંદના અને સર્વસમાવેશકતા
આ યોજના માત્ર ગરીબ પરિવારો પૂરતી મર્યાદિત નથી, પરંતુ હવે તેનો લાભ 'વય વંદના યોજના' અંતર્ગત વરિષ્ઠ નાગરિકો, સરકારી કર્મચારીઓ અને ગૃહિણીઓને પણ મળી રહ્યો છે. ઇમરજન્સીના કિસ્સામાં તાત્કાલિક કાર્ડ કઢાવીને સારવાર મેળવવાના અનેક કિસ્સાઓમાં દર્દીઓના જીવ બચાવી શકાયા છે.
તારીખ 25 ડિસેમ્બરના 'સુશાસન દિવસ' નિમિત્તે આ યોજના સુશાસનની એ વિચારધારાને મજબૂત કરે છે કે જ્યાં છેવાડાના માનવી સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ વિનામૂલ્યે પહોંચે. બનાસકાંઠા જિલ્લામાં થયેલી કામગીરીએ સાબિત કર્યું છે કે આયુષ્માન ભારત યોજના આજે સામાન્ય નાગરિકો માટે સુરક્ષાનું અભેદ્ય કવચ બની ગઈ છે.
