ઈડર-108ની ટીમે શુક્રવારે વાઘપુરના ડુંગરાળ વિસ્તારમાં બાળકીને જન્મ આપનાર મહિલા અને નવજાત શિશુ બે કિલોમીટર ઝોળીમાં લાવી હોસ્પિટલ ખસેડતાં બંનેનો જીવ બચી ગયો હતો. એકાંકી મહિલાએ જંગલમાં બાળકીને જન્મ આપ્યા બાદ બ્લિડિંગ શરૂ થઈ ગયું હતું. જ્યારે નવજાતને શરીર પર જીવડા કરડેલા હતા. ઈડર-1ની 108 ટીમની ઈ.એમ.ટી. મહેશભાઈ સગર અને પાયલોટ પ્રજ્ઞેશભાઈ બારોટને શુક્રવારે બપોરે કોલ મળ્યો હતો કે વાઘપુરના ડુંગરાળ વિસ્તારમાં કોઈ મહિલાએ નવજાત શિશુને જન્મ આપ્યો છે અને તેની સ્થિતિ નાજુક છે.
આ કોલ બાદ 108ની ટીમ વાઘપુર વિસ્તારમાં પહોંચી ગઈ હતી. જો કે પ્રસુતા સુધી વાહન લઈ જવું શક્ય ન હોવાથી અંતે સ્ટ્રેચર તથા જરૂરી દવાઓ સાથે બંને કર્મીઓ ચાલતા જ પહોંચી ગયા હતા. આ કર્મચારીઓનું માનીએ તો ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ મહિલા અસ્થિર મગજની હોવાનું જણાઈ આવ્યું હતું. મહિલાના શરીરમંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી રહ્યું હતું. તેની સ્થિતિ નાજુક બની રહી હતી. બીજી બાજુ નવજાત બાળકીને પણ શરીર પર કીડી-મકોડા કરેડલા હતા.
જેથી 108ની ટીમે સ્થાનિક આશાવર્કર બહેનની મદદથી ઝોળી બનાવી ઝોળામાં માતા અને બાળકીને બે કિલોમીટર ચાલતાં 108 વાન સુધી લઈ જઈ આવ્યા હતા. ત્યાંથી ખેડબ્રહ્મા સિવિલમાં સારવાર માટે ખસેડી બંનેના જીવ બચાવી લીધા હતાં. 108 ટીમની આ સરાહનિય કામગીરીને જિલ્લાના તબીબો સહિત જિલ્લાવાસીઓએ બિરદાવી હતી.
