Ambaji: જગતજનનીના ધામમાં ‘શાકંભરી નવરાત્રી’નો મંગલ પ્રારંભ; ચાચર ચોકમાં ઈટાલીના મહેમાનોએ ગરબે ઘૂમી જમાવ્યું આકર્ષણ

નવરાત્રીના પ્રથમ દિવસે ઈટાલીથી આવેલા પ્રવાસી શ્રદ્ધાળુઓ મિરેશન અને પામેલાએ અંબાજીના ચાચર ચોકમાં ગરબા રમીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 29 Dec 2025 08:55 AM (IST)Updated: Mon 29 Dec 2025 08:55 AM (IST)
shakambhari-navratri-begins-at-ambaji-dham-italian-guests-gather-attraction-at-chachar-chowk-with-garba-procession-663862

Ambaji Dham: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે રવિવાર, 28 ડિસેમ્બરથી 'શાકંભરી નવરાત્રી'નો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે. પોષ સુદ આઠમથી શરૂ થયેલી આ નવરાત્રી આગામી 3 જાન્યુઆરી, પોષી પૂનમના રોજ સંપન્ન થશે. નવરાત્રીના પ્રથમ દિવસે જ માં અંબાના આશીર્વાદ લેવા માટે ગુજરાત, રાજસ્થાન સહિત દેશ-વિદેશના શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.

ગુપ્ત નવરાત્રીનું અનેરું મહત્વ

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ જયશીલ ઠાકરે જણાવ્યું હતું કે, શાકંભરી નવરાત્રી એ 'ગુપ્ત નવરાત્રી' તરીકે ઓળખાય છે. આ દિવસોમાં ભક્તો માતાજીને રીઝવવા માટે વિવિધ પ્રકારના શાકભાજી અને ફળફળાદી અર્પણ કરે છે. ખાસ કરીને પોષી પૂનમના દિવસે માતાજીનો પાટોત્સવ (જન્મજયંતિ) હોવાથી આ નવરાત્રીનું મહત્વ અનેકગણું વધી જાય છે. રજાઓના માહોલ અને મિની વેકેશનને કારણે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

ઈટાલીના પ્રવાસીઓએ ગરબાની રમઝટ બોલાવી

માં અંબા પ્રત્યેની આસ્થા માત્ર ભારતીયોમાં જ નહીં, પરંતુ વિદેશીઓમાં પણ જોવા મળી રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઈટાલીથી આવેલા પ્રવાસી શ્રદ્ધાળુઓ મિરેશન અને પામેલાએ અંબાજીના ચાચર ચોકમાં ગરબા રમીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને માં અંબાની ભક્તિમાં તરબોળ થયેલા આ વિદેશી મહેમાનોએ ગરબાની રમઝટ બોલાવીને આકર્ષણ જમાવ્યું હતું.

રાજસ્થાનથી આવેલા માતૃશક્તિના સમૂહે કર્યા ભજન-કીર્તન

નવરાત્રી નિમિત્તે રાજસ્થાનથી 36 મહિલાઓનો એક સંઘ અંબાજી પહોંચ્યો હતો. આ મહિલાઓએ શક્તિદ્વાર પાસે શાસ્ત્રોક્ત વિધિથી અષ્ટમીની પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ ચાચર ચોકમાં મા અંબાના ગરબા અને ભજન-કીર્તન કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. ભક્તોના ભારે ધસારાને પહોંચી વળવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુરક્ષા અને દર્શન માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

પોષી પૂનમે યોજાશે ભવ્ય પાટોત્સવ

આ નવરાત્રીનું સમાપન 3 જાન્યુઆરીના રોજ થશે. આ દિવસે માતાજીની વર્ષગાંઠ હોવાથી મંદિરમાં ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવશે. માં અંબાને 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવશે અને અંબાજીના માર્ગો પર માતાજીની ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે. હાલમાં સમગ્ર અંબાજી 'જય અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યું છે.