Mamlatdar DD Pandya: સાંતલપુર તાલુકામાં ફરજ બજાવતા મામલતદાર ડી. ડી. પંડ્યાએ ગતરોજ બ્લેકમેઇલિંગ અને સતત મળી રહેલી ધમકીઓથી કંટાળીને ઝેરી દવા પી લેતા ખળભળાટ મચી ગયો છે. વતન થરાદના વજગેઢ ગામમાં તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું. હાલમાં તેમને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.
આત્મહત્યાના પ્રયાસ પહેલા રેકોર્ડ કર્યો વિડિયો
મામલતદારે ઝેરી દવા ગટગટાવતા પહેલા એક ભાવુક વિડિયો સંદેશ જાહેર કર્યો હતો. આ વિડિયોમાં તેમણે રડતી આંખે જણાવ્યું હતું કે, "હું આ મારો છેલ્લો વિડિયો બનાવી રહ્યો છું. છેલ્લા 4 વર્ષથી મારો ભાણેજ કિશન બેચરભાઈ પંડ્યા સહિત 6 લોકોની ગેંગ મને સતત માનસિક ત્રાસ આપી રહી છે. આ લોકોએ મારી વિરુદ્ધ 8 થી 10 ખોટી અરજીઓ કરી મને હેરાન કર્યો છે".
ફોટા વાયરલ કરવાની ધમકી આપી
મામલતદારે આક્ષેપ કર્યો છે કે આ ગેંગ તેમને ખાનગી ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરતી હતી. આરોપીઓ દ્વારા તેમની પાસેથી 20 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. વારંવારની ધમકીઓથી માનસિક રીતે ભાંગી પડેલા મામલતદારે અંતે આ પગલું ભર્યું હતું અને વિડિયોમાં માંગણી કરી હતી કે આ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
ચિઠ્ઠીમાં 6 નામોનો ઘટસ્ફોટ
મામલતદારે લખેલી સુસાઇડ નોટમાં આખી ગેંગ સામેલ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જેમાં નીચે મુજબના વ્યક્તિઓના નામ લખ્યા છે:
- કિશન બેચરભાઈ પંડ્યા (ભાણેજ)
- તુલસી ગોહિલ
- અનિલ ગોહિલ
- અનિલ પ્રજાપતિ
- માનસિંગ દરજી
- સોનલ (માનસિંગની દીકરી) અને આશારામ મહારાજ
પરિવારનો આક્રોશ
મામલતદારના પુત્ર રોહિત પંડ્યાએ જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનાથી પિતાને ખૂબ જ હેરાન કરવામાં આવી રહ્યા હતા. આ ટોળકી દ્વારા વારંવાર નાણાંની માંગણી કરી પિતાને માનસિક તણાવમાં રાખવામાં આવતા હતા. હાલ થરાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને મામલતદારે આપેલી વિગતોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
