30 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી આવશે વાવ-થરાદ: નાંણી એરફોર્સ સ્ટેશન આસપાસ ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ

30 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાવ-થરાદ પ્રવાસને લઈને નાંણી એરફોર્સ સ્ટેશન આસપાસના 8 KM વિસ્તારમાં 29 અને 30 ઓક્ટોબરે 'નો ફ્લાય ઝોન' જાહેર કરાયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 24 Oct 2026 08:47 AM (IST)Updated: Sat, 24 Oct 2026 08:47 AM (IST)
pm-narendra-modi-vav-tharad-visit-nani-airforce-station-no-fly-zone-security

PM Modi Vav Tharad Visit: આગામી તારીખ 30/10/2026 ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકા સ્થિત નાંણી એરફોર્સ સ્ટેશન ખાતે વિમાન મારફતે ઉતરાણ કરવાનાં છે. તેઓ હેલિકોપ્ટર મારફત ભીલડી ખાતે જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝેડ પ્લસ અને એસપીજી સુરક્ષા કવચ ધરાવતા હોય ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 અન્વયે મળેલા સત્તાની રૂએ કલ્પેશ કુમાર શર્મા, IAS, ઇન્ચાર્જ જિલ્લા મેજિસ્ટ્રેટ, વાવ-થરાદે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

PMના પ્રવાસને લઈને જાહેરનામું

આ જાહેરનામાં પ્રમાણે, લાખણી તાલુકાના નાંણી એરફોર્સ સ્ટેશનના સમગ્ર વિસ્તારને તેમજ તેની આસપાસના 8 કિલોમીટરના ઘેરાવા સુધીના વિસ્તારને તારીખ 29/10/2026થી તારીખ 30/10/2026 ના કલાક 24:00 સુધી "નો ફ્લાય ઝોન" તરીકે જાહેર કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન સંબંધિત સમગ્ર વિસ્તારમાં કોઈપણ પ્રકારના ડ્રોન, રિમોટ કંટ્રોલ્ડ ઉપકરણો કે અન્ય એરો સ્પોર્ટ્સ સાધનોના ઉડ્ડયન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

નિયમભંગ કરનારા સામે કાર્યવાહી કરાશે

આ જાહેરનામાના કોઈપણ નિયમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 હેઠળ કાયદેસરની શિક્ષાને પાત્ર બનશે. વધુમાં, આ હુકમનું ઉલ્લંઘન કરનારા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે વાવ-થરાદ જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેમનાથી ઉપરી હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.