Gujarat Assembly Election 2022:
આજે રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે તે પહેલા ગઇકાલે રાત્રે દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થઇ ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મોડી રાત્રે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, દાંતાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય કાંતિ ખરાડી ઉપર ભાજપના ઉમેદવાર અને એમના ગુંડાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એમની ગાડીને આંતરીને મારી નાખવાની કોશિશ કરવામાં આવી છે. ગાડી પલટી મારી દીધી અને હજુ પણ કાંતિભાઈ ખરાડી લાપતા છે.
જો કે કલાકોની શોધખોળ બાદ કાંતિ ખરાડી સહી સલામત મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. કાંતિ ખરાડીને દાંતા લાવતા સમર્થકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ઘટના બાદ સમર્થકો વચ્ચે પહોંચેલા કાંતિ ખરાડીએ સમગ્ર ઘટના દાંતા વિધાનસભાના ઘર ઘર સુધી પહોંચાડવા અંગે નિવેદન આપ્યું હતું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને ભાજપ પર આક્ષેપ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કાંતિ ખરાડીએ ગઈકાલે પત્રકાર પરિષદ યોજી બોગસ મતદાન અને ધાકધમકીની ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કાંતિ ખરાડીએ કલેકટર, એસપી અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીને પણ આ અંગે જાણ કરી હતી.
જાણો દાંતા બેઠકની રસપ્રદ વિગત
દાંતા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી દસમા નંબરની બેઠક છે. આ બેઠક બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક બનાસકાંઠા છે. રાજાશાહીના સમયમાં દાંતા સ્ટેટ તરીકે ઓળખાતું હતું. દાંતા અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આવેલું છે. યાત્રાધામ અંબાજી મંદિર આ તાલુકામાં આવેલું છે.
આ ઉપરાંત, ગબ્બર પર્વત, કામાક્ષી મંદિર, કોટેશ્વર મહાદેવ મંદિર જોવાલાયક સ્થળો છે. આ બેઠક હેઠળ આવતા અમીરગઢમાં જેસોર રીંછ અભ્યારણ્ય આવેલું છે. 1978માં વન્ય જીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. અભયારણ્ય પર્વત પર દેવોના દેવ મહાદેવનું કેદારનાથ મંદિર પણ આવેલું છે.
