GPCB દ્વારા ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નો પ્રારંભ, 20 હજાર સ્ટીલ બોટલ વિતરણનું લક્ષ્ય

ગાંધીનગર GPCB દ્વારા 'અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026'નું આયોજન કરવામાં આવ્યું છે. પદયાત્રા દરમિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને સ્ટીલ બોટલ વિતરણ અંગેની વિગતો જાણો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 17 Sep 2026 09:11 PM (IST)Updated: Thu, 17 Sep 2026 09:27 PM (IST)
gpcb-launches-ambaji-clean-environment-yatra-2026

Ambaji Padyatra Swachh Paryavaran Yatra 2026: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ગાંધીનગર ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નો શુભારંભ કરવામાં આવ્યો છે. અંબાજી પદયાત્રાના માર્ગ પર સ્વચ્છતા જાળવવા, ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા તેમજ નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવાના હેતુથી આ અભિયાન છેલ્લા ત્રણ વર્ષથી ચલાવવામાં આવી રહ્યું છે.

આ યાત્રા અંતર્ગત ચાર પ્રાદેશિક કચેરીઓ દ્વારા આશરે 20 હજાર સ્ટીલની બોટલનું વિતરણ અને 2 લાખ પ્લાસ્ટિક બોટલોના સંગ્રહનું મહત્ત્વપૂર્ણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ સેરેમની દ્વારા આ અભિયાનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

“શ્રદ્ધાથી સ્વચ્છતા”: પ્રકૃતિના જતનને પ્રાધાન્ય

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને ગુજરાતમાં તેમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે આપણે આ સ્વચ્છ પર્યાવરણનો સંકલ્પ લીધો છે. તેમણે ઉમેર્યું હતું કે- માતાજીના દર્શને આપણે શ્રદ્ધાથી જઈએ છીએ, ત્યારે ધરતીમાતા પ્રત્યેની આપણી જવાબદારી પણ ભૂલવી ન જોઈએ. આપણે પ્રકૃતિને પૂજનારા લોકો છીએ, તેથી વડીલોએ બાળપણથી જ બાળકોને સ્વચ્છતાના સંસ્કાર આપવા જોઈએ.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, આ યાત્રાનું મુખ્ય કેન્દ્રબિંદુ “શ્રદ્ધાથી સ્વચ્છતા” હોવું જોઈએ. ગત વર્ષે આ યાત્રામાં 70 ટનથી વધુ કચરો એકત્ર થયો હતો, ત્યારે આગામી સમયમાં કચરો એકત્ર કરવાની જરૂર જ ન પડે તેવો સંકલ્પ કરવાનો સમય આવ્યો છે. આ વર્ષે 300 જેટલા કેમ્પમાં ડિસ્પોઝેબલ બેગનું વિતરણ પણ કરવામાં આવશે.

naidunia_image

પ્લાસ્ટિક મુક્ત યાત્રા માટે અનોખી વ્યવસ્થા

GPCB દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે.

સ્ટીલ બોટલ યોજના: પદયાત્રીઓ 10 વપરાયેલ પ્લાસ્ટિક બોટલ જમા કરાવીને બદલામાં 750 મિલીલીટરની સ્ટીલની બોટલ મેળવી શકશે.

ઈકો-ફ્રેન્ડલી સંગ્રહ: 125 સ્વયંસેવકો દ્વારા સાયકલ અને ઇ.વી. (EV) વાહનોનો ઉપયોગ કરીને માર્ગ પરથી કચરો એકત્રિત કરવામાં આવશે.

જાગૃતિ અભિયાન: પદયાત્રીઓને ‘આ હાથ કચરો નહીં ફેંકે’ ટેગલાઇનવાળા 4 લાખ હેન્ડબેન્ડનું વિતરણ કરવામાં આવશે.

સન્માન: પર્યાવરણ જાગૃતિના પ્રચાર અર્થે સ્વચ્છતાગ્રહી બહેનોને મિલેટ્સ કીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

naidunia_image

સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને ઉપસ્થિતિ

કાર્યક્રમની શરૂઆતમાં GPCBના અધ્યક્ષ આર. બી. બારડે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે સભ્ય સચિવ દિપાલી ટાંક દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ અવસરે વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાનશ્રીના ‘આંખ આ રમ્ય છે, પૃથ્વી આ ધન્ય છે’ કાવ્ય પર સુંદર સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં GPCBના અધિકારીઓ, વિદ્યાર્થીઓ, NEPRAના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

naidunia_image

naidunia_image