Banaskantha Crime News: બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના હાઈવે પર ગત રાત્રે સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. શહેરના હાઈવે પર આવેલી એક ખાનગી હોટલ પાસે પૈસાની લેતીદેતીના મામલે 10થી વધુ શખ્સોએ બે યુવકો પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, પાલનપુર હાઈવે પર આવેલી એક ખાનગી હોટલ પાસે બે યુવકો ઉભા હતા, ત્યારે અચાનક બે થી ત્રણ વાહનોમાં સવાર થઈને આવેલા 10થી વધુ લોકોના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ લાકડીઓ અને ધારદાર હથિયારો વડે બન્ને યુવકોને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. હુમલો એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો કઈ સમજે તે પહેલાં હુમલાખોરો ઘટનાને અંજામ આપીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો
હત્યાનું કારણ: પૈસાની લેતીદેતી
પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પૈસાની લેતીદેતી કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. મૃતક યુવક અને હુમલાખોરો વચ્ચે જૂના નાણાકીય વ્યવહારને લઈને તકરાર ચાલતી હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. આ ઝઘડાએ ગત રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જે અંતે હત્યામાં પરિણમ્યું હતું.
પરિવારનું નિવદેન
પરિવારના સભ્યોએ જણાવ્યું છે કે, જ્યા સુધી હત્યારાઓને પકડી પાડવામાં નહી આવે ત્યા સુધી અમે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાંથી લઇ જવાના નથી અને અમે ઉપવાસ પર પણ બેસસું. ગુજરાત સરકારને વિનંતી પણ કરવામાં આવી છે કે, હત્યારાઓને જલદીથી પકડી પાડવામાં આવે. વધુમાં જણાવ્યું કે, નિતીન ચૌધરી અને ભરત ચૌધરી બને બેઠા હતા તે દરમિયાન શખ્સોએ આવીને તેમના પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ભરત ચૌધરી નામના યુવકનું મોત થયું છે. તેમની ઉંમર 32 વર્ષ હતી અને એક પાંચ વર્ષની છોકરી પણ છે.
પોલીસ કાર્યવાહી અને હોસ્પિટલની સ્થિતિ
ઘટનાની જાણ થતા જ પાલનપુર પશ્ચિમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતક યુવકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ (PM) અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક યુવકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે.
આરોપીઓને પકડવા પોલીસના ચક્રો ગતિમાન
હાઈવે પર જાહેરમાં થયેલી આ હત્યાને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આરોપીઓને ઝડપી પાડવા માટે LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસે હોટલ અને હાઈવે પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી છે, જેથી હુમલાખોરોની ઓળખ કરી શકાય. પાલનપુર જેવા શાંત ગણાતા વિસ્તારમાં હાઈવે પર જાહેરમાં થયેલી આ હત્યાને પગલે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે ટૂંક સમયમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે.
