Namo Drone Didi: ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિના પાવન અવસરે સમગ્ર દેશ 25 ડિસેમ્બરે 'સુશાસન દિવસ'ની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગને યાદગાર બનાવવા ગુજરાત સરકારે ‘અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’ના મંત્ર સાથે વિશેષ ‘સુશાસન સપ્તાહ’નું આયોજન કર્યું છે. આ સપ્તાહના ત્રીજા દિવસની થીમ ‘લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી’ રાખવામાં આવી છે, જે અંતર્ગત ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણની ગાથા સામે આવી છે.
બનાસકાંઠાના તાલેપુરા ગામમાં 'ડ્રોન ક્રાંતિ'
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના તાલેપુરા ગામમાં રહેતા આશાબેન ચૌધરી આજે આધુનિક ખેતીનું નવું મુખ બની ગયા છે. 'નમો ડ્રોન દીદી' યોજના હેઠળ આશાબેને ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વિશેષ તાલીમ લીધી છે. હવે તેઓ ખેતરોમાં પારંપરિક રીતે દવા છાંટવાને બદલે ડ્રોન દ્વારા સચોટ અને ઝડપી દવાનો છંટકાવ કરી રહ્યા છે.
આ પણ વાંચો
₹17 લાખની ડ્રોન કિટ: આત્મનિર્ભરતાનું હથિયાર
આ યોજના માત્ર તાલીમ પૂરતી મર્યાદિત નથી, પરંતુ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનું સબળ માધ્યમ છે. યોજના અંતર્ગત આશાબેનને આશરે 17 લાખ રૂપિયાની ડ્રોન કિટ પૂરી પાડવામાં આવી છે. આ ડ્રોન દ્વારા તેઓ પોતાના ખેતર ઉપરાંત અન્ય ખેડૂતોના ખેતરમાં પણ દવાનો છંટકાવ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. આ આધુનિક સાધન દ્વારા તેઓ આત્મનિર્ભર બની પરિવારની આર્થિક સ્થિતિ સુધારવામાં પાયાનું યોગદાન આપી રહ્યા છે.
સુશાસનનું ઉત્તમ ઉદાહરણ
ગુજરાતના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચેલી આ યોજનાઓ સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. 'નમો ડ્રોન દીદી' અને 'લખપતિ દીદી' જેવી યોજનાઓ દ્વારા મહિલાઓ હવે માત્ર ઘરકામ કે પશુપાલન સુધી મર્યાદિત નથી, પરંતુ ટેકનોલોજીના સહારે આર્થિક રીતે સમૃદ્ધ બની રહી છે. આશાબેન ચૌધરી જેવી લાખો ગ્રામીણ મહિલાઓ આજે ડ્રોન પાયલોટ બનીને આધુનિક ભારતની 'લખપતિ દીદી' બનવા તરફ મક્કમતાથી ડગ માંડી રહી છે. વાજપેયીજીના 'જય વિજ્ઞાન'ના નારાને આજે ગ્રામીણ મહિલાઓ ખરા અર્થમાં સાર્થક કરી રહી છે.
