Deesa Robbery Case: ગુજરાત સરકારના જનહિતકારી અભિયાન 'તેરા તુજકો અર્પણ કાર્યક્રમ' અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. ડીસાના ટેટોડા ગામ નજીક બનેલા લૂંટના ગંભીર ગુનાનો ઝડપી ભેદ ઉકેલી પોલીસે ₹27.44 લાખની કિંમતનો ચાંદીના ઘરેણાંનો સંપૂર્ણ મુદ્દામાલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેના મૂળ માલિકને સુપ્રત કર્યો છે.
આ ઘટનાની વિગતવાર માહિતી મુજબ, અમદાવાદ સ્થિત 'મેક્સિમમ એન્ટરપ્રાઈઝ હોલસેલ ચાંદીની દુકાન' માં કામ કરતા કર્મચારીઓ વેપાર અર્થે અમદાવાદથી પરત ધાનેરા આવી રહ્યા હતા. તે દરમિયાન ડીસાના ટેટોડા ગામ નજીક હાઈવે પર અજાણ્યા ઈસમોએ ફરિયાદીની ગાડી રોકીને તેમને શારીરિક ઈજા પહોંચાડી અને ગાડીમાંથી ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
આ બનાવમાં આરોપીઓ રૂ. 27.44 લાખની કિંમતનું 12.160 કિલોગ્રામ ચાંદી લૂંટી ગયા હતા. બનાવ અંગે ફરિયાદીએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં લૂંટનો સત્તાવાર ગુનો દાખલ કરાવ્યો હતો. ગુનાની ગંભીરતા ધ્યાને લઈ બનાસકાંઠા LCB પોલીસ ટીમે ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ત્વરિત તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ લૂંટના આ ગુનાનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસે લૂંટના ગુનામાં વપરાયેલી અલ્ટ્રોઝ કાર સહિત એકંદરે 4 આરોપીની અટકાયત કરી તેમની પાસેથી લૂંટાયેલો તમામ ચાંદીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવામાં બનાસકાંઠા LCB પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ તથા તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ સફળ કામગીરી બદલ PI ડી.એમ. રાઠોડ, UHC રાજેશકુમાર શંકરલાલ, UPC કાનસિંહબળવંતસિંહ તેમજ UPC મુકેશકુમાર દ્વારા કરાયેલી સરાહનીય કામગીરીનેબિરદાવીને તે તમામ પોલીસ કર્મચારીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રશંસાપત્ર આપીને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 1 વર્ષના સમયગાળામાં બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ કુલ 538 જેટલા કાર્યક્રમોનું સફળ આયોજન કરીને નાગરિકોનો કુલ રૂ. 4.66 કરોડથી વધુની કિંમતનો ખોવાયેલો કે લૂંટાયેલો મુદ્દામાલ શોધીને તેના મૂળ માલિકોને સફળતાપૂર્વક પરત કરવામાં આવ્યો છે.
