પાલનપુર.
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કાયમ પોતાના સ્ફોટક નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. એવામાં ભાભર ખાતે યોજાયેલા ઠાકોર સમાજના સમુહ લગ્નમાં ગેનીબેન ઠાકોરે આપેલા એક નિવેદનના કારણે ફરીથી ચર્ચામાં આવ્યા છે. જેમાં તેમણે લગ્ન પ્રસંગમાં વાગતા DJનો મુદ્દો ઉઠાવ્યો હતો.
કોંગ્રેસ ધારાસભ્યએ જણાવ્યું કે, મોડી રાતે DJમાં સંસ્કૃતિ વિરુદ્ધના ગીતો વાગે. જેમાં આમંત્રણ ના મળ્યું હોય, તેવા લોકો પણ આવી ચડે છે. દીકરીઓ નાસી જવાની ઘટનાઓ પાછળ આ DJ જ જવાબદાર છે. દીકરીઓની સુરક્ષા માટે DJ ના લાવવા જોઈએ.
આ સમુહ લગ્નમાં હાજરી આપીને ગેનીબેન ઠાકોરે પ્રભુતામાં પગલા પાડનારા 34 નવયુગલોને આશીર્વાદ આપવા સાથે સલાહ આપી હતી કે, જ્યાં સુધી પતિ-પત્ની કમાતા ના થાય, ત્યાં સુધી ઘરમાં પારણું ના બંધાવું જોઈએ. એવી મારી આપ સૌને વિનંતી છે.
જણાવી દઈએ કે, અગાઉ એક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, DJ વિના લગ્નના ફેરા ફરવાની ના પાડનારા દીકરા-દીકરીઓને માતા-પિતાએ સમજાવવાનો પ્રયાસ કરવો પડશે. આ ઉપરાંત તેઓ કુંવારી દીકરીઓને મોબાઈલ ના આપવાની તેમજ સ્વરક્ષા માટે મહિલાઓને હથિયાર રાખવાની મંજૂરી આપવાની વાત કરી ચૂક્યાં છે.