Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના આઠ મહિનાના આયોજન પર પાણી ફેરવી દીધું છે. બાજરી, મગફળી, જુવાર, કઠોળ, કપાસ અને બટાટા જેવા મુખ્ય પાકોને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.
પાક ધિરાણ ચૂકવવાનો પડકાર
અમીરગઢ તાલુકાના ખેડૂતોએ સારી ઉપજની આશાએ બેંકોમાંથી પાક ધિરાણ લીધું હતું. પરંતુ પાક નિષ્ફળ જતાં, હવે બેંકની લોન ભરપાઈ કરવી તેમના માટે મોટો પડકાર બની ગયો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમીરગઢ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને યોગ્ય સરકારી સહાય અને વળતર ચૂકવવાની માંગણી કરવામાં આવી છે.
સર્વેની ગતિ અને સમય અંગે ખેડૂતોની મુખ્ય ચિંતા
કિસાન સંઘના પ્રતિનિધિ અશોકભાઈએ રજૂઆત કરતા સર્વેની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, "અમારા વિસ્તારમાં થયેલું નુકસાન 7-8 દિવસમાં સર્વે દ્વારા પૂર્ણ થાય તેમ નથી. ખેડૂતો હવે આગામી સિઝન માટે ખેતી કામ ફરી શરૂ કરી ચૂક્યા છે."
તેમણે સવાલ ઉઠાવ્યો કે, જો સર્વેવાળા અધિકારીઓ મોડા આવશે, તો ખેતરમાં બીજો પાક લાગી ગયો હશે. તો પછી અમે નુકસાન કઈ રીતે બતાવશું?, અમારી સ્પષ્ટ માંગણી છે કે વહેલી તકે એટલે કે ચાર કે પાંચ દિવસમાં સર્વેનું કામ પૂર્ણ કરી દેવું જોઈએ અને જો10 દિવસ સુધી પણ સર્વે ન થાય, તો ખેડૂતોએ આગામી સિઝનની ખેતી માટે રાહ જોવી કે શરૂ કરી દેવી, તે મોટો પ્રશ્ન છે.
