પાલનપુરથી પાટનગર સુધીની આદિવાસી સમાજની 131 કિ.મી.ની પદયાત્રા, જાતિના દાખલા સહિતની માંગણીઓ મુદ્દે ગાંધીનગરમાં મુખ્યમંત્રીને રજૂઆત કરશે

યાત્રામાં જોડાયેલા રાજકીય આગેવાનો અને સામાજીક આગેવાનોનું કહેવું છે કે, લાંબા સમયથી જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓ અને તેના કારણે યુવાનોના ભવિષ્ય પર પડી રહેલી અસર ચિંતાજનક છે

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 29 Dec 2025 05:56 PM (IST)Updated: Mon 29 Dec 2025 05:56 PM (IST)
banaskantha-tribal-community-begins-131-km-march-to-gandhinagar-664202

Banaskantha Tribal Community Protest: બનાસકાંઠા જિલ્લાનો આદિવાસી સમાજ છેલ્લા ત્રણ વર્ષથી પોતાની વિવિધ માંગણીઓ, ખાસ કરીને જાતિના દાખલા સંબંધિત સમસ્યાઓના નિરાકરણ ન આવતા હવે રસ્તા પર ઉતર્યો છે. પોતાની સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન દોરવા માટે, આદિવાસી સમાજે પાલનપુરથી રાજ્યના પાટનગર ગાંધીનગર સુધીની 131 કિલોમીટર લાંબી પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. આ યાત્રા મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગાંધીનગર પહોંચશે. આદિવાસી સમાજની આ યાત્રામાં દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાંતી ખરાડી સહિતના રાજકીય અને સામાજિક આગેવાન જોડાયા છે.

યાત્રામાં જોડાયેલા રાજકીય આગેવાનો અને સામાજીક આગેવાનોનું કહેવું છે કે, લાંબા સમયથી જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓ અને તેના કારણે યુવાનોના ભવિષ્ય પર પડી રહેલી અસર ચિંતાજનક છે. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાએ અનેક રજૂઆતો કરવા છતાં જાતિના દાખલાની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. ભણેલા-ગણેલા આદિવાસી યુવાનો માત્ર જાતિના દાખલાના અભાવે નોકરીઓથી વંચિત રહી ગયા છે. સ્થાનિક સ્તરે સમસ્યાનો નિવેડો ન આવતા, ના છૂટકે ગાંધીનગર સુધી પગપાળા જવાની ફરજ પડી છે.

આદિવાસી સમાજના અગ્રણી ઈશ્વરભાઈ ડામોરે આ મામલે જણાવ્યું કે, છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં જાતિના દાખલા મેળવવામાં થતી હેરાનગતિઓ દૂર કરવા માટે સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ, મામલતદાર, કલેક્ટર, મંત્રીઓ, મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી લેખિતમાં અનેક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, આજ દિન સુધી કોઈ સંતોષકારક નિરાકરણ લાવ્યું નથી.

તેમણે વધુમાં કહ્યું છેકે, ત્રણ વર્ષથી સખત મહેનત કરીને પરીક્ષા પાસ કરનારા યુવાનોના સરકારી નોકરીના ઓર્ડર જાતિ ખરાઈના બહાને જાણીજોઈને અટકાવી રાખવામાં આવ્યા છે. અધિકારીઓ વિદ્યાર્થીઓને નોકરી ન મળે તે હેતુથી નાની-મોટી શાબ્દિક ભૂલો કાઢીને તેમના દાખલાઓ રદ કરી રહ્યા છે. વારંવારના આવેદનો છતાં કોઈ ઉકેલ ન મળતા, આજે સમગ્ર વિસ્તારના આગેવાનો અને યુવાનોએ સાથે મળીને આ પદયાત્રાનું આયોજન કર્યું છે.

આદિવાસી સમાજની મુખ્ય માંગણીઓમાં ખેડૂતો અને વિદ્યાર્થીઓને જાતિના દાખલા સહેલાઈથી અને સમયસર મળે, સરકારી નોકરી મેળવી ચૂકેલા યુવાનોના અટકાવેલા ઓર્ડરો તાત્કાલિક આપવામાં આવે, અને આ સમગ્ર સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેનો સમાવેશ થાય છે. આ પદયાત્રા દ્વારા ગાંધીનગર પહોંચીને આદિવાસી સમાજ પોતાની વેદના મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી શકશે.