Palanpur
ડીસામાં ગૌ સંચાલકોની અટકાયતનો વિરોધ, ગૌ સેવકોએ એલિવેટેડ બ્રિજ પર ટાયર સળગાવ્યા
બનાસકાંઠા-પાટણમાં સરકારી કચેરીમાં પશુઓ બાંધી વિરોધ નોંધાવ્યો
પાલનપુર.
ડીસામાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા 500 કરોડની સહાયના પગલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ડીસામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા સંચલાકોની અટકાયત કરવામાં આવતા ગૌ સેવકો રોષે ભરાયા હતા અને ડીસાના એલિવેટેડ બ્રિજ પર ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો હતો.
ચક્કાજામના દ્રશ્યો સર્જાયા
રૂ. 500 કરોડની સહાય મામલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ગૌશાળા સંચાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ગૌશાળા સંચાલકો દ્વારા પશુઓને સરકારી કચેરીઓમાં બાંધીને વિરોધ કરાઈ રહ્યો છે. હાઇવે પર પશુઓ છોડી મુકવામાં આવતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. ગૌસેવકોએ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાની કારને ડીસામાં અટકાવી હતી. પોલીસે બળપ્રયોગ કરીને મંત્રીને ટ્રાફિકમાંથી બહાર કાઢ્યા હતા.
ડીસા રાધનપુર હાઇવે પર ચક્કાજામ
ગૌશાળા સંચાલકો દ્વારા ડીસા-રાધનપુર હાઈવે પર પશુઓ છોડી મુકવામાં આવ્યા હતા. જેના કારણે કિલોમીટર લાંબો ચક્કાજામ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા સંચાલકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન સંચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
સરકારી કચેરીઓમાં પશુ છોડાયા
બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કલેક્ટર કચેરીમાં પશુઓ બાંધીને વિરોધ નોંધાવાયો છે. થરાદમાં મામલતદાર કચેરીમાં પશુઓ છોડી મુકવામાં આવ્યા છે. બનાસકાંઠાના ડીસા ખાતે સરકારી કચેરીએ ગૌ શાળા સંચાલકો પશુઓ સાથે ન પહોંચે એ માટે પાંજરાપોળ અને ગૌશાળા પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
સંચાલકોની માગ રાજ્ય સરકાર 500 કરોડ સહાય ચૂકવે
રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળમાં રહેલી ગાયોના નિભાવ ખર્ચ માટે બજેટમાં 500 કરોડની સહાયની જોગવાઈ કરી હતી. સરકારે આ સહાય હજી સુધી ચૂકવી નથી. પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો અને સાધુ સંતો દ્વારા અનેકવાર સરકારને સહાય માટે રજુઆત કરવામાં આવી હતી. સરકારે સહાય બાબતે કોઈ નિર્ણય ન લેતા સંચાલકો આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.
ગાંધીનગર ખાતે સંચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા
ગાંધીનગર સત્યાગરહ છાવણી ખાતે બનાસકાંઠા અને કચ્છના પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બનાસકાંઠાના 200 જેટલા નાના મોટા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો તથા સાધુ સંતો વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જોડાતા હતા. જો કે, કોંગ્રેસના માલધારી ધારાસભ્ય પણ ટેકો જાહેર કર્યો હતો. આજે સંચાલકોએ પાટણ અને બનાસકાંઠા સરકારી કચેરીમાં પશુઓ બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તમામ પશુઓને રસ્તા પર ખુલ્લા છોડવામાં આવ્યા હતા.
સંચાલકોએ નમો કિસાન પંચાયતનો વિરોધ કર્યો હતો
ગઈ કાલે ડીસા ખાતે ભાજપના કાર્યકર્તા દ્વારા નમો પંચાયત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સ્થળે ગૌશાળા સંચાલકો પહોંચ્યા હતા. જે લોકો નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજી રહ્યા હતા તમને કાર્યક્રમ બંધ કરીને જતા રહેવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, સંચાલકોને વિરોધને લઈને ભાજપના કાર્યકર્તા નમો પંચાયત કાર્યક્રમ બંધ કર્યો હતો.