Banaskantha: દાંતામાં પ્રાથમિક શાળાના હીંચકે ઝૂલતી 3 સગી બહેનોને કરંટ લાગ્યો, બેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 05 Apr 2024 10:07 PM (IST)Updated: Fri, 05 Apr 2024 10:07 PM (IST)
banaskantha-news-two-sister-died-due-to-electric-shock-at-primary-school

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોરડુંગરા ગામની પ્રાથમિક શાળામાં હિંચકે ઝૂલતી ત્રણે સગી બહેનોને કરંટ લાગ્યો હતો. જે પૈકી બે બહેનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક બહેનને ગંભીર હાલતમાં પાલનપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સાંધોશીથી એક પરિવાર દાંતા તાલુકાના મોરડુંગરા ગામે સામાજિક પ્રસંગે આવ્યો હતો. આ પરિવારની 3 દીકરીઓ ગામની પ્રાથમિક શાળામાં હીંચકા ખાઈ રહી હતી. આ દરમિયાન લોખંડના હીંચકામાં અચાનક કરંટ આવતા ઝૂલી રહેલી ત્રણેય બહેનો ફસડાઈ પડી હતી. જે પૈકી બે બહેનોના કરૂણ મોત નીપજ્યાં હતા, જ્યારે એક બહેન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં પાણીના બોર્ડના સ્ટાર્ટરમાંથી કરંટ નજીકમાં રહેલા હીંચકામાં આવતા આ ઘટના ઘટી હોવાનું મનાય છે. જ્યારે મૃતક બાળકીઓની ઓળખ દીવા ડાભી (ઉં.વ. 6) અને કરણી ડાભી (ઉં.વ. 4) તરીકે થઈ છે. જ્યારે 8 વર્ષીય નમ્રતા ડાભીને ગંભીર હાલતમાં પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ તો મૃત બાળકીના પરિવારજનોએ સ્કૂલ વહીવટી તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે અને પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું છે.