Banaskantha: કાંકરેજમાં કાળમુખા ટ્રકે બાઈકને ટક્કર મારી, કાકા સાથે હવનમાં જઈ રહેલા 9 વર્ષના ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 18 May 2024 10:09 PM (IST)Updated: Sun, 19 May 2024 08:12 AM (IST)
banaskantha-news-truck-hits-bike-at-kankrej-9-years-old-boy-died

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ડુંગરાસણ પાટીયા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાળમુખા ટ્રકે બાઈકને ટક્કર મારતા પોતાના કાકા સાથે બાઈક પર જઈ રહેલા એક સગીર ભત્રીજાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કાંકરેજ તાલુકાના વડા ગામમાં રહેતા અમરતભાઈ દેસાઈ પોતાના ભત્રીજા આરવ દેસાઈને સાથે કુવારવા ગામ ખાતે આયોજિત હવનમાં હાજરી આપવા બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનું બાઈક ડુંગરાસણ પાટીયા નજીક પહોંચ્યુ, ત્યારે થરાથી શિહોરી તરફ આવી રહેલ ટ્રક (GJ-09-Z-1317) તેમના બાઈકને પાછળથી ટક્કર મારી હતી. જેના પગલે બાઈક સવાર કાકા-ભત્રીજા હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા.

આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજાના પગલે 9 વર્ષીય આરવનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે ઈજાગ્રસ્ત અમરતભાઈને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા શિહોરી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.જેમણે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

આ મામલે મૃતક બાળકના પિતા મોતીભાઈ દેસાઈની ફરિયાદના આધારે શિહોરી પોલીસે અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.