Jignesh Chaudhary Murder: રાજસ્થાનના બિકાનેર નજીક ચાલુ ટ્રેને વડગામના જવાનની હત્યા કરવામાં આવી હતી. તેમના પાર્થિવ દેહને આજે વતન લઇ જવામાં આવ્યો હતો અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. છાપીથી વડગામના ગીડાસણ ગામ સુધીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ વિદાયમાં પરિવારજનોના આક્રંદથી હાજર એક એક વ્યક્તિની આંખો આંસુથી છલકાઇ ગઇ હતી.
12 વર્ષથી સેનામાં ફરજ બજાવતા હતા
બનાસકાંઠા જિલ્લાના વડગામના ગીડાસણ ગામના વતની જીગ્નેશ ચૌધરી છેલ્લા 12 વર્ષથી ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા. તાજેતરમાં જમ્મુના ઉધમપુરમાં તેમની ડ્યુટી હતી. રવિવારે રજા મળ્યા બાદ તેઓ ફિરોજપુર કેન્ટથી જમ્મુ તાવી-સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં પોતાના વતન જઈ રહ્યા હતા.
ટ્રેનમાં હત્યા કરવામાં આવી
મુસાફરી દરમિયાન જીગ્નેશ ચૌધરીને ટ્રેનના કોચ એટેન્ડન્ટ જુબેર મેમણ સાથે ચાદર માગવાની બાબતને લઈને તકરાર થઈ હતી. જે બાદ મોડી રાત્રે ટ્રેન લૂકરનસરથી રવાના થઈ તે દરમિયાન કોચ એટેન્ડન્ટ ઝુબેર છરી લઈને ટ્રેનમાં પહોંચ્યો અને જીગ્નેશ ચૌધરી સાથે તકરાર કરી છરી વડે હુમલો કર્યો હતો. છરીના ઘા થી ઇજાગ્રસ્ત થયેલ જવાને ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. ઘટનાની જાણ જીઆરપી અને આરપીએફ ને થતા સૈન્યના જવાનની હત્યા કરવા મામલે જીઆરપી અને આરપીએફ એ કોચ અટેન્ડન્ટ ઝુબેર મેમણની અટકાયત કરી હતી.

પરિવારજનોના આક્રંદ ફેલાયો
શહીદ જવાનના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે પીબીએમ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેમના પરિવારજનો પાર્થિવ દેહને લેવા પહોંચ્યા હતા. આજે વહેલી સવારે શહીદ જવાન જીગ્નેશ ચૌધરીના પાર્થિવદેહને માદરે વતન મોટી ગીડાસણ ગામે લવાયો હતો. છાપીથી મોટી ગીડાસણ સુધી શહીદ જવાનની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શહીદ જવાનની અંતિમયાત્રામાં દેશભક્તિના માહોલ વચ્ચે શોકનો માતમ પથરાયો હતો.
હત્યારા સામે લોકોનો રોષ
'શહીદ જવાન અમર રહો અને ભારત માતાકી જય' ના નારા સાથે યોજાયેલી આ શહીદ જવાનની અંતિમયાત્રા મોટી ગીડાસણના સ્મશાન ગૃહમાં પહોંચી હતી. જ્યાં દેશના જવાનો દ્વારા શહીદ જવાન જીગ્નેશ ચૌધરીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. શહીદ જવાન જીગ્નેશ ચૌધરીના પરિવારમાં શોક સાથે જવાનની હત્યા કરનાર હત્યારા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારના લોકોએ હત્યારા કોચ અટેન્ટન્ડટ સહિત આ હત્યામાં સંડોવાયેલા તમામ લોકોને ઝડપી પાડી તેમને કડકમાં કડક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી છે.
