Banaskantha: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં તારીખ 27 ઑક્ટોબર, 2025થી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત ગણતરીના તબક્કાની કામગીરી ખૂબ જ અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં સમાવિષ્ટ કુલ 9 વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદીની 100 ટકા ડિજિટાઇઝેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે.
આ પણ વાંચો
બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે ડ્રાફ્ટ રોલ એટલે કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધિ બાબતે જણાવ્યું કે, બનાસકાંઠા અને વાવ - થરાદ જિલ્લાના મળીને કુલ મતદારોની સંખ્યા 26,24,952 હતી. આ મતદારો પૈકી કુલ પરત મળેલ ગણતરી ફોર્મ EF ની સંખ્યા 24,05,325 છે.
ASDના કારણે કમી થયેલા મતદારોની સંખ્યા 2,19,627 છે. ફાઈનલ ડ્રાફ્ટ રોલમાં 24,05,325 જેટલા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માન્ય રાજકીય પક્ષને આ ફાઈનલ ડ્રાફ્ટ રોલની સોફ્ટ અને હાર્ડ કોપી સુપ્રત કરવામાં આવી છે. દરેક બુથના BLOને પણ ફોટોવાળી મતદાર યાદી આપવામાં આવી છે.
આ પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ રોલ અંગે હક્ક દાવા અને વાંધા અરજીઓ તારીખ 19 ડિસેમ્બર 2025 થી 18 જાન્યુઆરી 2026 સુધીના સમયગાળા દરમિયાન સબંધિત EROને રજૂ કરી શકાશે, તેના બાદ નોટિસ અને સુનાવણીના સમયગાળા દરમિયાન હક્ક દાવા અને વાંધા અરજીઓ હોય તેવા મતદારો અને No Mapping એટલે કે 2002ની યાદી મુજબ જેનું મેપિંગ થઈ શક્યું નથી તેવા કુલ 64,336 મતદારોને 19 ડિસેમ્બર 2025 થી 10 ફેબ્રુઆરી 2026 સુધીના સમયગાળા દરમિયાન સંબંધીત વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી સમક્ષ રૂબરૂ સાંભળીને મતદાર દ્વારા રજુ કરેલ આધાર પુરાવા મુજબ આગળનો નિર્ણય કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, બનાસકાંઠા અને વાવ - થરાદ જિલ્લા ખાતે મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારી કચેરી ખાતે કુલ 27 જેટલા હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કાર્યરત કરાયા છે. No Mapping વાળા મતદારો આ સેન્ટર ખાતે પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે.
- બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની 9 વિધાનસભા વિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા:- 26,24,952
- ડ્રાફ્ટ રોલમાં સમાવેશ મતદારોની સંખ્યા:- 24,05,325
- ASD મતદારોની સંખ્યા :- 2,19,627 જેમાં 65,122 મૃત્યુ, 21,291 ગેરહાજર, 1,11,744 મતદારોનું કાયમી સ્થળાંતર નોંધાયું છે.
