બનાસકાંઠામાં લોકશાહીનો મહાપર્વઃ 1,961 મતદાન મથકો પર 15.79 લાખથી વધુ મતદારો કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

બનાસકાંઠામાં 15000 થી વધુ પોલિંગ સ્ટાફ, 35 ચૂંટણી અધિકારીઓ, 81 મદદનીશ ચૂંટણી અધિકારીઓ બજાવશે ફરજ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 24 Apr 2026 11:33 PM (IST)Updated: Fri, 24 Apr 2026 11:33 PM (IST)
banaskantha-local-body-elections-2026-voting-on-april-26-counting-on-april-28
HIGHLIGHTS
  • બનાસકાંઠામાં 26 એપ્રિલે મતદાન અને 28મીએ પરિણામ આવશે
  • કલેક્ટર મિહિર પટેલની નિર્ભય થઈને મતદાન કરવાની અપીલ

Banaskantha Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આગામી તા.26 એપ્રિલ, 2026 રવિવારના રોજ યોજાનાર છે, જ્યારે મતગણતરી તા. 28 એપ્રિલ, 2026 મંગળવારના રોજ હાથ ધરવામાં આવશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે વિગતવાર માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયતો તેમજ પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાઓની ચૂંટણી માટે 26મી એપ્રિલના રોજ મતદાન યોજાશે.

સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 1961 મતદાન મથકો ખાતે 15,000 થી વધુ પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે.

જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના આંગણે ઉજવાતા લોકશાહીના આ પવિત્ર તહેવારમાં દરેક નાગરિક પોતાનો મતાધિકાર જાગૃતતાપૂર્વક અને જવાબદારીથી ઉપયોગ કરે તે જરૂરી છે.

મતદાન એ દરેકની પવિત્ર ફરજ પણ છે, જે દેશના લોકતંત્રને મજબૂત બનાવે છે. આ મહા પર્વમાં જિલ્લાના તમામ મતદારો - યુવાનો, ભાઈઓ, બહેનો તેમજ વડીલો ઉત્સાહભેર અને નિર્ભયતાથી ભાગ લે અને વધુમાં વધુ મતદાન કરે તે માટે તેમણે નાગરિકોને અપીલ કરી હતી.

મતદાન પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. તેથી મતદારો નિર્ધારિત તારીખે પોતાના મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કરે અને લોકશાહીના આ મહોત્સવને સફળ બનાવે તે માટે પણ તેમણે સૌને પ્રેરિત કર્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 48 બેઠક પૈકી 47 બેઠક માટે ઉમેદવારો હરીફાઈમાં છે. 10 તાલુકા પંચાયતની કુલ 240 બેઠકો પૈકી 231 બેઠકો પર ચૂંટણી યોજાશે. ત્રણ નગરપાલિકાના કુલ 29 વોર્ડ માટે કુલ 116 બેઠક પૈકી 103 બેઠકો પર ચૂંટણીનું આયોજન કરાશે.

જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા તાલુકા - જિલ્લા પંચાયત માટે કુલ 1757 મતદાન મથક અને નગરપાલિકા માટે કુલ 204 મતદાન મથક પર મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણી માટે કુલ 35 ચૂંટણી અધિકારીશ્રીઓ, 81 મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને 15000 થી વધુ પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે.

જિલ્લામાં કુલ 9032 સી.યુ તથા બી.યુ EVMનો ઉપયોગ કરાશે. જેમાં તાલુકા/જિલ્લા પંચાયત માટે 4078 સી.યુ તથા 4078 બી.યુ નો ઉપયોગ કરાશે. નગરપાલિકા માટે 292 સી.યુ અને 584 બી.યુ નો ચૂંટણી માટે ઉપયોગ કરાશે.

બનાસકાંઠા જિલ્લામાં તાલુકા/જિલ્લા અને નગરપાલિકા વિસ્તાર માટે કુલ 15,79,767 મતદારો નોંધાયા છે. જિલ્લા/તાલુકા પંચાયત માટે કુલ 13,84,068 મતદારો નોંધાયા છે જેમાં 7,20,247 પુરુષ મતદારો, 6,63,809 સ્ત્રી મતદારો અને 12 અન્ય મતદારો નોંધાયા છે. નગરપાલિકા માટે કુલ 1,95,699 મતદારો નોંધાયા છે જેમાં 1,02,439 પુરુષ મતદારો, 93,256 સ્ત્રી મતદારો અને 4 અન્ય મતદારો નોંધાયા છે.

બનાસકાંઠામાં ચૂંટણી માટે તાલુકા/જિલ્લા પંચાયત માટે તાલુકા મથકે કુલ 10 ડિસ્પેચિંગ સેન્ટર, નગરપાલિકા માટે 3 ડિસ્પેચિંગ સેન્ટર કાર્યરત છે. તાલુકા/જિલ્લા પંચાયત માટે કુલ 21 સ્ટ્રોગ રૂમ અને નગરપાલિકા માટે કુલ 3 સ્ટ્રોગ રૂમ કાર્યરત છે.

મતદાન મથકો પર મતદારોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે ઝોનલ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન મુજબ તમામ સૂચનાઓનું કડક પાલન થાય તે માટે ચૂંટણી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તમામ જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. મતદારોને લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવતા મતદાન કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.