Banaskantha Election Results 2026: બનાસકાંઠાના દાંતામાં મતગણતરી પૂર્વે હાઈવોલ્ટેજ ડ્રામા; કોંગ્રેસ અને આપના કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ, હેમરાજ રાણનો વિરોધ

આદર્શ નિવાસી આશ્રમ શાળાના મુખ્ય ગેટ પર મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે પોલીસને ભીડને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 28 Apr 2026 09:33 AM (IST)Updated: Tue, 28 Apr 2026 09:33 AM (IST)
banaskantha-election-results-2026-danta-clash-congress-aap-police-hemraj-rana-protest

Banaskantha Election Results 2026 Updates: બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ થાય તે પહેલા જ ભારે હોબાળો અને ઘર્ષણની ઘટના સામે આવી છે. આદર્શ નિવાસી આશ્રમ શાળા ખાતે ઉભા કરવામાં આવેલા મતગણતરી સેન્ટરના ગેટ પર રાજકીય પક્ષોના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી.

અંદર પ્રવેશવા બાબતે વિવાદ થયો

પ્રાપ્ત વિગતો અનુસાર, મતગણતરી સેન્ટરમાં અંદર પ્રવેશવાને લઈને વિવાદની શરૂઆત થઈ હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યકરો દ્વારા હેમરાજ રાણનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જ્યારે કાર્યકરોએ સેન્ટરમાં જબરદસ્તી પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્થળ પર તૈનાત પોલીસ કાફલાએ તેમને રોક્યા હતા, જેના પરિણામે પોલીસ અને કાર્યકરો વચ્ચે સીધું ઘર્ષણ થયું હતું.

ગેટ પર જામી પડી બબાલ

આદર્શ નિવાસી આશ્રમ શાળાના મુખ્ય ગેટ પર મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે પોલીસને ભીડને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઘટનાને પગલે મતગણતરી કેન્દ્રની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ પૂરતી પરિસ્થિતિ કાબૂ હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.