બનાસકાંઠામાં સંગઠનના માળખાને લઈને વિવાદ વકર્યો, પ્રદેશ પ્રમુખે યાદી રદ્દ કરતાં ગુલાબસિંહની સૂચક પોસ્ટ- 'લડાઈ ભાજપ સરકાર સામે હોવી જોઈએ'

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠન માળખાને લઈને આંતરિક વિવાદ વકર્યો છે, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુલાબસિંહ રાજપૂત દ્વારા જાહેર કરાયેલ માળખું રદ્દ કર્યું. આ ઘટના બાદ યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિત પારઘીએ રાજીનામું આપતા રાજકીય ગરમાવો જોવા મળ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 15 Sep 2026 05:56 PM (IST)Updated: Tue, 15 Sep 2026 05:56 PM (IST)
banaskantha-congress-internal-rift-amit-chavda-cancels-gulabsinh-rajputs-organizational-structure

Banaskantha Congress Rift: બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં આંતરિક મતભેદ સપાટી પર આવી ગયા છે. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિત પારઘીએ પોતાના તમામ પદો પરથી રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે.

ગુલાબસિંહ રાજપૂતના માળખાને અમિત ચાવડાએ રદ્દ કરી નાંખ્યું

હકીકતમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતની વરણી કરવાને એક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતા મોવડી મંડળ દ્વારા સંગઠન માળખુ રચવાની કોઈ તસ્દી લેવામાં આવી નહતી. જેથી બે દિવસ પૂર્વે ગુલાબસિંહ રાજપૂતે પોતાની રીતે જ બનાસકાંઠા ઉપરાંત વાવ-થરાદ જિલ્લાના સંગઠન માળખાની રચના કરી દીધી હતી. જેમાં જિલ્લાના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, ખજાનચી, પ્રવક્તા તેમજ કારોબારી સભ્યોની નિમણૂંક કરી દેવામાં આવી હતી.

ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોરનું અપમાન

જો કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુલાબસિંહ રાજપૂત દ્વારા જાહેર કરવામાં આવેલા સંગઠનના માળખાને રદ્દ કરી દેતા વિવાદ વકર્યો છે. એવામાં બનાસકાંઠા યુથ કોંગ્રેસના પ્રમુખ રોહિત પારેગીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. જેમાં તેમણે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતના અપમાનનો ઉલ્લેખ કર્યો હતો.

 

ગુલાબસિંહ અને ગેનીબેન કોઈની મહેરબાનીથી નેતા નથી બન્યા

બીજી તરફ થરાદ જિલ્લા પંચાયતના સભ્ય સિદ્ધરાજસિંહ રાજપૂતે જણાવ્યું કે, આજથી 3 મહિના પૂર્વે જ ગુલાબસિંહ રાજપૂતે પ્રદેશ કોંગ્રેસ કમિટિને સંગઠનની યાદી સોંપી હતી. જો કે તેને જાહેર ના કરવામાં આવી હોવાથી, ગુલાબસિંહે સાર્વજનિક કરી નાંખી. ગુલાબસિંહ અને ગેનીબેન ઠાકોર જેવા નેતાઓ પ્રજાના મતોથી નેતા બન્યા છે, કોઈની મહેરબાનીથી નતી. જે કામ ભાજપ નથી કરી શકતુ, તે કોંગ્રેસના જ કેટલાક લોકો ગુલાબસિંહ અને ગેનીબેન સાથે કરવા માંગે છે.

 



 

તમારી લડાઈ ભાજપ સામે હોવી જોઈએઃ ગુલાબસિંહ રાજપૂત

ગુલાબસિંહ રાજપૂતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની સાંસદ ગેનીબેન ઠાકોર સાથેની તસવીર મૂકીને સૂચક પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે લખ્યું છે કે, તમારી લડાઈ અમારી સાથે નહીં, પરંતુ લોકોના પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને લઈને ભાજપ સરકાર સામે હોવી જોઈએ. ભગવાન સૌને સદ્દબુદ્ધિ આપે.

માત્ર બનાસકાંઠા જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની આવી જ હાલતઃ ભાજપ

આ અંગે ભાજપ નેતા અને કેબિનેટ મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું કે, માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની આવી જ હાલત છે. કોંગ્રેસ પાસે કોઈ મજબૂત નેતા નથી, કે નથી કોઈ યોગ્ય નેતૃત્વ. જે પાર્ટી પોતાના પરિવારને સાચવી શકતી નથી, તે આખા ગુજરાતને સાચવવાની મોટી-મોટી વાતો કરે છે. કોંગ્રેસ પાસે હવે જનતા વચ્ચે જવા માટે કોઈ મુદ્દો બચ્યો નથી.

કોંગ્રેસને સલાહ આપતા પહેલા ભાજપ પોતાની અંદર જુએઃ ડૉ. મનિષ દોશી

આ સમગ્ર વિવાદ મુદ્દે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ભાજપને આડેહાથ લેતા જણાવ્યું કે, સંગઠનમાં વાતચીતના અભાવે વિવાદ ઉભો થયો છે. ભરૂચમાં ખુદ ભાજપના સાંસદ મનસુખ વસાવા પાર્ટી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. રાજકોટમાં પણ જયેશ રાદડિયા અને પૂર્વ મંત્રી વચ્ચેની ખેંચતાણ જગજાહેર છે. એવામાં ભાજપે કોંગ્રેસને સલાહ આપવાની જગ્યાએ પહેલા પોતાની અંદર નજર કરવી જોઈએ.