માત્ર 10 કર્મચારીઓ સંભાળશે 30 હજાર ચોરસ ફૂટનું વેરહાઉસ, કેવી છે બનાસ ડેરીની નવી વેરહાઉસ પ્રણાલી?

પાલનપુરના UHT પ્લાન્ટના વેરહાઉસમાં આધુનિક સંગ્રહ પ્રણાલીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 27 Oct 2026 04:42 PM (IST)Updated: Tue, 27 Oct 2026 04:42 PM (IST)
banas-dairy-high-tech-warehouse-palanpur-pm-narendra-modi-will-inaugurate

Banas Dairy News: વડાપ્રધાન મોદી આગામી 30 ઓક્ટોબર, 2026 ના રોજ પાલનપુરમાં બનાસ ડેરીના UHT પ્લાન્ટના વેરહાઉસમાં આધુનિક સંગ્રહ પ્રણાલી ખુલ્લી મૂકશે. ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રીટ્રાઈવલ સિસ્ટમ (ASRS) તરીકે ઓળખાતી વ્યવસ્થા શરૂ થવાથી ત્યાં દૂધના ઉત્પાદનોને ગોઠવવાની અને સંગ્રહ કરવાની કામગીરી મશીનો દ્વારા થશે. ₹31.14 કરોડના ખર્ચે તૈયાર આ વ્યવસ્થામાં દૂધના ઉત્પાદનોને અહીં રાખવા માટે 9 માળ સુધી સ્ટીલ રેકનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 11 હજાર પેલેટ સંગ્રહ કરવાની ક્ષમતા છે.

કેવી રીતે કામ કરશે હાઈટેક વેરહાઉસ પ્રણાલી?

ASRS (ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રિટ્રાઈવલ સિસ્ટમ) પ્રણાલીમાં ક્રેન, શટલ, રોબોટ અને કન્વેયર્સ જેવા મશીનોનો ઉપયોગ કરીને વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે જરૂર પડે ત્યારે આ મશીનો તે વસ્તુઓને પાછી લાવી આપે છે. વેરહાઉસમાં રાખેલા સામાનની દેખરેખ રાખવા અને ઓર્ડરનીપ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવા માટે ખાસ સોફ્ટવેરથી કામગીરી કરવામાં આવે છે. તેના લીધે કામગીરી વધુ ચોક્કસ બને છે અને કાર્યક્ષમતામાં સુધારો થાય છે.

પાલનપુરના વેરહાઉસમાં મધર-ચાઈલ્ડ શટલ ASRS

પાલનપુરના વેરહાઉસમાં જે મલ્ટી-ડીપ ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રીટ્રાઇવલ સિસ્ટમ (ASRS) શરૂ કરવામાં આવી છે, તેમાં મધર-ચાઈલ્ડ શટલ વ્યવસ્થા છે. મધર શટલ એ ચાઇલ્ડ શટલને રેકની અલગ અલગ લેનમાં લઇ જાય છે. ત્યારબાદ ચાઇલ્ડ શટલ રેકની અંદર જઈને પેલેટ અને બોક્સને ચોક્કસ સ્થાન પર મૂકે છે અને જરૂર પડે ત્યારે સામાન પાછો લઇ આવે છે. આ કામગીરી સંપૂર્ણ રીતે ઓટોમેટેડ રીતે થવાથી માનવીય હસ્તક્ષેપ અને તેના લીધે થતી ભૂલો ઘટે છે તેમજ કામગીરી ઝડપથી પૂર્ણ થાય છે.

તમામ UHT ઉત્પાદનો સંગ્રહિત કરવામાં આવશે

વર્ષ 2015માં પાલનપુરમાં શરૂ થયેલા UHT (અલ્ટ્રા હીટ ટ્રીટમેન્ટ) પ્લાન્ટમાં દૂધ અને તેના ઉત્પાદનોને ખાસ તાપમાનની પદ્ધતિથી એવી રીતે સુરક્ષિત કરવામાં આવે છે કે રેફ્રિજરેશન કે પ્રિઝર્વેટિવ્સ વિના છ મહિના સુધી શેલ્ફ પર તાજા રહે છે. આ વેરહાઉસમાં આ પ્રકારના UHT ઉત્પાદનો (કાઉ-બફેલો ગોલ્ડ, હાઈ પ્રોટીન લસ્સી, એપલ ટ્રુ, ટી સ્પેશિયલ વગેરે) રાખવામાં આવશે.

UHT પ્લાન્ટમાં 5.5 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ

આ UHT પ્લાન્ટમાં દરરોજ 5.5 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરવામાં આવે છે અને વાર્ષિક આવક ₹1050 કરોડ (2025-26) જેટલી છે. આ પ્લાન્ટમાંથી દૂધ, ટ્રુ (Tru), મસાલા છાશ, હાઈ-પ્રોટીન ડ્રિંક્સ અને ઘી સમગ્ર ભારતના બજારોમાં પહોંચે છે અને સિંગાપોર, માલદીવ્સ, યુએઈ અને મલેશિયામાં નિકાસ થાય છે.મહિનામાં સરેરાશ રીતે આ પ્લાન્ટ પહેલેથી જ તેની સાબિત થયેલી ટોચની ક્ષમતાના લગભગ 90 ટકા પર ચાલે છે.

પરંપરાગત વેરહાઉસની મર્યાદાઓ દૂર થશે

પરંપરાગત વેરહાઉસમાં પેકિંગ લાઇનમાંથી આવતા પેલેટ્સને ફોર્કલિફ્ટની મદદથી ખસેડીને ગોઠવવામાં આવે છે. કયો પેલેટ ક્યાં મૂકવામાં આવ્યો છે તેની નોંધ રાખવી પડે છે અને માલ રવાના કરવાનો સમય આવે ત્યારે તેને ફરીથી શોધવો પડે છે. જોકે ઉત્પાદનમાં વધારો થાય ત્યારે પરંપરાગત વેરહાઉસનીમર્યાદા સામે આવે છે. ફોર્કલિફ્ટની અવરજવર માટે પહોળા રસ્તાની જરૂર પડે છે. પેલેટ મર્યાદિત ઊંચાઈ સુધી જ ગોઠવી શકાતા હોવાથી વધુ જગ્યાનો ઉપયોગ થાય છે. હજારો પેલેટ્સમાંથી કોઈ ચોક્કસ બેચ શોધવામાં સમય લાગે છે અને માનવીય ભૂલની સંભાવના પણ રહે છે.

સોફ્ટવેર દ્વારા પેકિંગથી માલ રવાના કરવા સુધી

નવી ASRS સિસ્ટમમાં મશીનો અને કોમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી સમગ્ર પ્રક્રિયા ઓટોમેટેડ બનશે. પેકિંગ લાઇનમાંથી આવતા પેલેટ્સને ઓટોમેટેડ મશીનો ઊંચા રેક્સમાં યોગ્ય જગ્યાએ ગોઠવશે. દરેક પેલેટ ક્યાં રાખવામાં આવ્યો છે તેની માહિતી કોમ્પ્યુટર સિસ્ટમમાં નોંધાશે. જ્યારે કોઈ ચોક્કસ ઉત્પાદન કે બેચની જરૂર પડશે ત્યારે સિસ્ટમ તેને આપમેળે શોધીને ડિસ્પેચ વિભાગ સુધી પહોંચાડશે. આ માટે કર્મચારીઓને વેરહાઉસમાં જઈને પેલેટ શોધવાની જરૂર નહીં પડે. પેકિંગ લાઈનથી લઈને માલ રવાના થાય ત્યાં સુધી દરેક ઉત્પાદનનું ટ્રેકિંગ કરી શકાશે. કોઈ બેચની તપાસ કરવાની હોય કે તેને બજારમાં મોકલવાનો હોય, તો તેની ચોક્કસ સ્થિતિ તરત જ જાણી શકાશે.

ઉત્પાદન અને બજારને જોડતી સ્માર્ટ સિસ્ટમ

આ પરિવર્તનની સૌથી મહત્ત્વપૂર્ણ બાબત વેરહાઉસની બદલાતી ભૂમિકા છે. અત્યાર સુધી વેરહાઉસ મુખ્યત્વે તૈયાર માલનો સંગ્રહ કરવાની જગ્યા તરીકે કામ કરતું. તેની સંગ્રહ ક્ષમતા અને કામગીરીનીઝડપના આધારે પ્લાન્ટ કેટલું ઉત્પાદન કરી શકે અને કેટલો માલ બજારમાં મોકલી શકે તે નક્કી થતું હતું. ASRS ટેક્નોલોજીથી વેરહાઉસ હવે પેકિંગ લાઇન અને બજાર વચ્ચે એક ઓટોમેટેડ અને ડેટા આધારિત વ્યવસ્થામાં પરિવર્તિત થશે.

પાલનપુરની ASRS સિસ્ટમ બનાસ ડેરીમાં ચાલી રહેલા વ્યાપક ટેક્નોલોજીકલપરિવર્તનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અત્યાર સુધી ઓટોમેશન મુખ્યત્વે દૂધની પ્રોસેસિંગ અને પેકિંગ કામગીરી સાથે સંકળાયેલું હતું. હવે આ ટેક્નોલોજી વેરહાઉસિંગ અને સપ્લાય ચેઇન સુધી વિસ્તરી રહી છે.

સહકારથી સમૃદ્ધિ: ટર્નઓવર ₹21,200 કરોડ

વર્ષ 1969 સ્થાપિત બનાસ ડેરી આજે 1,505 ગ્રામ્ય દૂધ સહકારી મંડળીઓ દ્વારા 4.5 લાખથી વધુ પશુપાલક સભાસદો પાસેથી દરરોજ સરેરાશ 83 લાખ લિટર દૂધ એકત્ર કરે છે. વર્ષ 2024-25માં સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર ₹21,200 કરોડથી વધુ થયું છે, અને તેની કુલ આવકનો 82 ટકા જેટલો માતબર હિસ્સો સીધો ખેડૂતોને આર્થિક વળતર સ્વરૂપે પરત કરવામાં આવે છે. સમગ્ર બનાસકાંઠામાં આકાર પામી રહેલા આ નવતર પ્રોજેક્ટ પશુપાલન અને ખેતીમાં સ્માર્ટ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે કામ કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.