Navsari News: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સરૈયા ગામના ચેકડેમમાં ન્હાવા પડેલા સુરતના 3 મિત્રો પૈકી એકનું ડૂબી જતા મોત નીપજ્યું છે. મૃતક યુવકની ઓળખ 21 વર્ષીય રાજ નાયકા તરીકે થઇ છે. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
મળતી માહિતી મુજબ સુરત શહેરમાંથી 3 મિત્રો બાઈક પર નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સરૈયા ગામના ચેકડેમમાં ન્હાવા માટે આવ્યા હતા જેમાં 3 પૈકી એક 21 વર્ષીય રાજ નાયકા નામના યુવક પાણીના તણાય જતા ડૂબી ગયો હતો, યુવકને ડૂબતો જોઈ સાથી મિત્રોએ બુમાબુમ કરી હતી જેથી સ્થાનિક તરવૈયાઓ ત્યાં મદદ માટે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને ગરમીમાં લોકો અને બાળકો તળાવ, ચેક ડેમ કે નદી નહેરમાં ન્હાવા જતા હોય છે ત્યારે આ ઘટના લોકો માટે ચેતવણીરૂપ સમાન છે. આવા સ્થળોએ ન્હાવા જતી વખતે પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે.
