Navsari Accident: નવસારીના ચીખલી નજીક આજે વહેલી સવારે કન્ટેનર સાથે ઇનોવા કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાથમિક વિગતો અનુસાર, સવારે 5.30થી 5.45 વાગ્યાની આસપાસ કન્ટેનર સુરતથી વલસાડ તરફ જઇ રહ્યું હતું એ સમયે મુંબઇથી સુરત તરફ આવી રહેલી ઇનોવા કાર આલીપોર ઓવર બ્રિજ પર કન્ટેનર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇનોવા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
અકસ્માત થયાની જાણ થતાં આસપાસના લોકો પહોંચ્યા હતા અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું જોકે, કારમાં સવાર ચાર લોકોના સ્થળ પરજ મોત નીપજ્યાં હતા. જ્યારે બેની હાલત ગંભીર જણાતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, તમામ મૃતકો સુરતના રહેવાસી હતા અને મુંબઇ એરપોર્ટથી સુરત આવી રહ્યાં હતા. બનાવની જાણ થતાં નવસારી ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના પગલે થોડો સમય હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિકને નિયંત્રિત કર્યો હતો.

મૃતકોના નામ
- રોહિત શુકકરણ માહલું (ઉ.વ. 40, રહે.પ્લોટ નંબર 3 સાઈ આશિષ સોસાયટી સિટીલાઈટ સુરત)
- પટેલ મહોમદ હમઝા મહમદ હનીફ ઇબ્રાહિમ (રહે.કોસાડ)
- ગૌરવ નંદલાલ અરોરા (ઉ.વ. 40, રહે.92 સુભાષનગર ધોડદોડ રોડ સુરત)
- અમિત દોલતરામ થડાની (ઉ.વ. 41, રહે.સી-૧૦૬ વાસ્તુગ્રામ એપાર્ટમેન્ટ વેસુ હેપી રેસિડેન્સી પાછળ સુરત)
