Ekta Nagar: સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વસંધ્યાએ ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા નગર સ્થિત પુનઃનિર્મિત ગોરા ઘાટ પર આયોજિત નર્મદા મૈયાની ભવ્ય મહાઆરતીમાં ભાવપૂર્વક ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.
દેશની સુખાકારી અને રાષ્ટ્રીય એકતા માટે પ્રાર્થના
નર્મદા તટે ભક્તિભાવ અને આધ્યાત્મિક ઊર્જાથી સભર વાતાવરણમાં યોજાયેલી આ મહાઆરતી દરમિયાન વડાપ્રધાનશ્રીએ મા નર્મદાના ચરણોમાં શીશ ઝુકાવીને રાષ્ટ્રના ઉત્તરોત્તર વિકાસ, સમૃદ્ધિ, શાંતિ અને દેશવાસીઓની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો દ્વારા સ્વાગત
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરી, રાજ્યના મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા અગ્રસચિવ સંજીવ કુમાર સહિતના વરિષ્ઠ મહાનુભાવોએ વડાપ્રધાનશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
નર્મદા ઘાટ અને મ્યુરલ્સ અંગે મેળવી વિગતવાર માહિતી
સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના સીઈઓ અમિત અરોરાએ પીએમ મોદીને નર્મદા ઘાટના પુનઃનિર્માણ, તેની વિશેષતાઓ અને મા નર્મદાના પ્રાગટ્ય તેમજ પરિક્રમાની પરંપરાને ઉજાગર કરતા થીમ આધારિત આકર્ષક મ્યુરલ્સ વિશે વિગતવાર જાણકારી આપી હતી. આ મ્યુરલ્સ દ્વારા મા નર્મદાના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્ત્વને ખૂબ સુંદર રીતે કંડારવામાં આવ્યું છે.
શંખનાદ અને દીપમાળાથી ગૂંજી ઊઠ્યો ઘાટ પરિસર
શંખનાદ, ડમરુના નાદ, વૈદિક મંત્રોચ્ચાર અને દીપમાળાની ઝળહળતી રોશની વચ્ચે ગોરા ઘાટનો સમગ્ર પરિસર ભક્તિમય બની ગયો હતો. પરંપરાગત વિધિ સાથે પીએમ મોદીએ દીપ પ્રજ્વલિત કરી મા નર્મદાની આરાધના કરી હતી. ગૂગળના ધૂપની સુવાસ અને દીવડાઓના પ્રકાશથી સમગ્ર ઘાટ અલૌકિક આભાથી ઝળહળી ઊઠ્યો હતો.
સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું જતન
મા નર્મદા માત્ર ગુજરાતની જીવાદોરી જ નહીં, પરંતુ દેશના કરોડો લોકોની આસ્થા અને ચેતનાનું પ્રતીક છે. પીએમ મોદીએ દૈનિક આરતીમાં સહભાગી થઈ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વિરાસત પ્રત્યે પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. સરદાર સાહેબની જન્મજયંતી નિમિત્તે યોજાયેલી આ આધ્યાત્મિક ઉપસ્થિતિએ એકતા નગરના ઐતિહાસિક મહત્વમાં એક નવો યાદગાર અધ્યાય ઉમેર્યો છે.
