PM Modi Gujarat Visit: એકતાનગરમાં ભારતના પ્રથમ વામન વૃક્ષ વાટીકા(બોન્સાઇ ગાર્ડન) સહિત 1220 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

એકતા નર્સરી નજીક 13,885 ચો.મી. વિસ્તારમાં વિકસિત થનારી “વામન વૃક્ષ વાટિકા” ભારતની પ્રાચીન વામન વૃક્ષ કળાને સમર્પિત અનોખું ઉદ્યાન છે, જે ભગવાન વિષ્ણુના વામન અવતારથી પ્રેરિત છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 29 Oct 2025 06:14 PM (IST)Updated: Wed 29 Oct 2025 06:14 PM (IST)
pm-modi-gujarat-visit-narendra-modi-will-launch-of-rs-1220-cr-projects-indias-first-bonsai-garden-628859

PM Modi To Visit Gujarat: રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નગર ખાતે રૂ.1220ના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે.

એકતા નગર ખાતે રૂ.56.33 કરોડના ખર્ચે GSEC & SSNNL ક્વાર્ટર્સ, , રૂ.303 કરોડના ખર્ચે બિરસા મુંડા ભવન,રૂ.54.65 કરોડના ખર્ચે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ (ફેઝ-1), રૂ.30 કરોડના ખર્ચે 25 ઈ-બસો, રૂ.20.72 કરોડના ખર્ચે સાતપુડા પ્રોટેક્શન વોલ તથા રિવરફ્રન્ટ, રૂ.18.68 કરોડના ખર્ચે વામન વૃક્ષ વાટિકા (બોન્સાઈ ગાર્ડન), રૂ.8.09 કરોડના ખર્ચે વોક વે(ફેઝ-2),રૂ.5.55 કરોડનો એપ્રોચ રોડ, રૂ.5.52 કરોડના ખર્ચે ઈ-બસ ચાર્જિંગ ડેપો,રૂ.4.68 કરોડના ખર્ચે સ્માર્ટ બસ સ્ટોપ (ફેઝ-2), રૂ.3.18 કરોડના ખર્ચે સીસી રોડ,રૂ.1.48 કરોડના ખર્ચે ડેમ રિપ્લિકા એન્ડ ગાર્ડન,રૂ1.09 કરોડના ખર્ચે એસબીબી ગાર્ડનનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે. નવનિર્મિત પ્રોજેક્ટો પ્રવાસીઓને વધારાની સુવિધા પૂરી પાડશે.

ખાતમુહૂર્ત થનારા પ્રોજેક્ટઃ ઈતિહાસ, વારસો અને આધુનિક વિકાસનો સમન્વય

રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે વડાપ્રધાનના હસ્તે 10 મહત્વના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ થવાનું છે. આમાં સૌથી મહત્વના છે પ્રોજેક્ટની વાત કરીએ તો રૂ.367.25 કરોડના ખર્ચે ધ મ્યુઝિયમ ઑફ રોયલ કિંગડમ્સ ઑફ ઈન્ડિયા, રૂ.140.45 કરોડના ખર્ચે વિઝિટર સેન્ટર, રૂ.90.46 કરોડના ખર્ચે વીર બાલક ઉદ્યાન, રૂ.27.43 કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાત ટ્રાવેલેટરનું એક્સ્ટેન્શન,રૂ.23.60 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રૂ.22.29ના ખર્ચે 24 મીટર એકતા નગર કોલોની રોડ, રૂ.12.50 કરોડના ખર્ચે જેટી ડેવલપમેન્ટ, રૂ.3.48 કરોડના CISF બેરેકસ,રૂ. 12.50 કરોડના ખર્ચે શૂલપાણેશ્વર મંદિર પાસે જેટીનું કામકાજ,12.85 કરોડના ખર્ચે રેઇન ફોરેસ્ટ જેવા મહત્વના વિકાસ કામોનું ખાતમુહૂર્ત થશે.

સસ્ટેનેબલ ટૂરિઝમ અને ગ્રીન એનર્જી તરફ એક મોટું પગલું

એકતા નગરના વિકાસમાં ગ્રીન એનર્જી અને ઈકો-ફ્રેન્ડલી ડિઝાઇનને મહત્વ આપવામાં આવ્યું છે. ઈ-બસો, ચાર્જિંગ ડેપો, સ્માર્ટ બસ સ્ટોપ અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેથી એકતા નગર ‘કાર્બન ન્યુટ્રલ ટૂરિઝમ ઝોન’ તરફ આગળ વધે.

રાષ્ટ્રીય એકતા દિવસ પર સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ

સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે થનારા આ તમામ પ્રોજેક્ટ્સ દેશના એકીકરણના પ્રતીક તરીકે ઓળખાતા સ્ટેચ્યુ ઑફ યુનિટીને નવી ઊંચાઈ આપશે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ એકતા નગરનો વિકાસ “વિઝિટ ગુજરાત – એક્સ્પીરિયન્સ ઇન્ડિયા”ના સ્વપ્નને સાકાર કરશે.

રોયલ કિંગડમ મ્યુઝિયમ રાજવી વારસાનો વૈભવી ઉપક્રમ

લિંબડી ગામ નજીક એકતા નગર ખાતે રૂ. 367.25 કરોડના ખર્ચે 5.5 એકર વિસ્તારમાં “મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઈન્ડિયા (MORKI)” તૈયાર થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31મી ઓક્ટોબર, 2025ના રોજ આ અનોખા પ્રોજેક્ટનું શિલાન્યાસ કરવામાં આવશે. આ મ્યુઝિયમમાં ભારતના રાજવી રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રની એકતા માટેના યોગદાનને આધુનિક ટેક્નોલોજી દ્વારા રજૂ કરવામાં આવશે. ગ્રીન બિલ્ડિંગ ધોરણો, સોલાર લાઇટિંગ, વર્કશોપ, કેફે અને બાળકો માટેના વિભાગ જેવી સુવિધાઓ ધરાવતું આ મ્યુઝિયમ 2027 સુધી પૂર્ણ થવાનું છે. આ પ્રોજેક્ટ એકતા નગરના પ્રવાસન અને રોજગારી વિકાસમાં નવો અધ્યાય લખશે અને ભારતના એકીકરણની અમર વાર્તાને નવી પેઢી સુધી પહોંચાડશે.

વડાપ્રધાન મોદીની હરિત પહેલઃ એકતા નગરમાં ઉમેરાશે 25 નવી ઈ-બસો

એકતા નગર ખાતે પ્રવાસીઓની સુવિધા વધારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 31મી ઓક્ટોબરે નવી 25 ઈ-બસોનું લોકાર્પણ થશે, જેના કારણે હાલની 30 ઈ-બસો સાથે કુલ 55 ઈ-બસો પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા આપશે.આ પહેલ વડાપ્રધાનની હરિત અને ટકાઉ વિકાસ દ્રષ્ટિનું પ્રતિબિંબ છે. 9 મીટર લાંબી એસી સુવિધાવાળી આ ઈ-બસો એક વખત ચાર્જ કર્યા પછી 180 કિમી સુધી દોડી શકે છે અને દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ તેમજ મહિલાઓ માટે 4 પિન્ક બેઠકની વ્યવસ્થા ધરાવે છે. આ સાથે એકતા નગર સ્માર્ટ ટૂરિઝમ અને ઈકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટના જીવંત મોડલ તરીકે ઉભરશે, જે. વડાપ્રધાન મોદીના “ભારતનું પ્રથમ ઈ-સિટી” વિઝનને સાકાર બનાવશે.

વામન વૃક્ષ વાટિકા પ્રાચીન મિનીએચર વૃક્ષકળાનું આધુનિક પ્રતિક

એકતા નગર ખાતે એકતા નર્સરી નજીક 13,885 ચો.મી. વિસ્તારમાં રૂ. 18.68 કરોડના ખર્ચે વિકસિત થનારી “વામન વૃક્ષ વાટિકા” ભારતની પ્રાચીન વામન વૃક્ષ કળાને સમર્પિત અનોખું ઉદ્યાન છે, જે ભગવાન વિષ્ણુના વામન અવતારથી પ્રેરિત છે. ઈ.સ.પૂર્વે 2000થી ભારતમાં વિકસેલી આ મિનીએચર વૃક્ષકળાનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણ અને વૃક્ષાયુર્વેદમાં મળે છે, જેને બાદમાં ચીનમાં “Pun Tsai” અને જાપાનમાં “Bonsai” તરીકે ઓળખ અપાઈ.

આ ઉદ્યાનમાં કુલ 65 જાતિના 1,147 મિનીએચર વૃક્ષો પરંપરાગત ટેકનિક્સ દ્વારા ઉછેરવામાં આવ્યા છે, સાથે ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં ભારતથી વૈશ્વિક બોન્સાઈ સુધીની યાત્રા, ટેકનિક્સ અને વર્ચ્યુઅલ ટૂર રજૂ કરવામાં આવી છે. ઝરણા, ફાઉન્ટેન, તળાવ, વિયૂઇંગ ડેક, ગઝેબો, સ્મૃતિચિહ્ન દુકાન અને બાળકો માટે રમવાની જગ્યા જેવી સુવિધાઓ ધરાવતું આ ઉદ્યાન પ્રવાસીઓને પ્રકૃતિ, કલા અને આધ્યાત્મિકતાની અનુભૂતિ કરાવશે. આ પ્રોજેક્ટ ભારતની ગુમ થયેલી વનસ્પતિ વિજ્ઞાન પરંપરાના પુનર્જીવન સાથે ઇકો-ટૂરિઝમ અને બોન્સાઈ તાલીમને પ્રોત્સાહિત કરતું એક નવીન ઉપક્રમ બનશે.

ડેમ રેપ્લિકા ફાઉન્ટેન સરદાર સરોવર ડેમના ઇજનેરી ચમત્કારનું જીવંત પ્રતિબિંબ

એકતા નગર ખાતે સહકાર ભવન નજીક 4,410 ચો.મી. વિસ્તારમાં રૂ. 1.48 કરોડના ખર્ચે વિકસિત “ડેમ રેપ્લિકા ફાઉન્ટેન” સરદાર સરોવર ડેમના નાનાં પ્રતિરૂપ રૂપે તૈયાર કરવામાં આવ્યું છે, જે વિસ્તારને સૌંદર્ય અને શિક્ષણ બંને સાથે જોડે છે. આ ફાઉન્ટેનનો ઉદ્દેશ્ય ડેમના ઇજનેરી ચમત્કારને ઉજાગર કરવાનો છે, સાથે સાથે પ્રવાસીઓને દ્રશ્યાત્મક રીતે આકર્ષક અનુભવ આપવાનો છે. ઝરણા જેવા બેક વોલ ફાઉન્ટેન, તેજસ્વી લાઇટિંગ, ગઝેબો, ફૂલોથી સજેલું બગીચું, બાળકો માટે રમવાનું મેદાન અને પરિવાર માટે આઉટડોર જિમ જેવી સુવિધાઓ આ સ્થળને અનોખું બનાવે છે. રાત્રે પ્રકાશિત થતું આ ફાઉન્ટેન પ્રવાસીઓને આનંદદાયક અને જ્ઞાનપ્રદ અનુભૂતિ કરાવતું નવું આકર્ષણ કેન્દ્ર બની ગયું છે

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો વિકાસ એકતા નગરમાં આધુનિક ખેલકૂદ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફનું મોટું પગલું

એકતા નગરના ફુવારા સર્કલ નજીક 11,000 ચો.મી. વિસ્તારમાં રૂ. 20 કરોડના ખર્ચે વિકસિત થનારો “સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ” પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબનું અદ્યતન ખેલકૂદ કેન્દ્ર બનશે. Sports Authority of India (SAI) અને International Olympic Committee (IOC) જેવા સંસ્થાનાં ધોરણોને અનુરૂપ આ કોમ્પ્લેક્સમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, સ્વિમિંગ પૂલ (25x10મીટર), ટેનિસ કોર્ટ, કબડ્ડી કોર્ટ, બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા લીલા ઘાસવાળું ક્રિકેટ મેદાન જેવી સુવિધાઓ સાથે હાઈ-માસ્ટ લાઈટિંગ, HVAC સિસ્ટમ, ચેન્જિંગ રૂમ, લોકર અને દિવ્યાંગ-મૈત્રી વોશરૂમ ઉપલબ્ધ રહેશે.

અહીં 350–400 લોકો માટે પ્રેક્ષક બેઠક તેમજ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, સાધન સ્ટોરેજ રૂમ અને આઉટડોર જિમ જેવી સહાયક સુવિધાઓ પણ રહેશે. આ પ્રોજેક્ટ એકતા નગરને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમત કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે, સાથે જ સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓ માટે સ્વસ્થ, સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહિત કરશે.