એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા પરેડ અગાઉ 28 BSF જવાન ડેન્ગ્યુની ઝપેટમાં, ટ્રોમા સેન્ટરમાં સારવાર શરૂ

ડેન્ગ્યુ પોઝિટિવ આવેલા તમામ જવાનોને તાત્કાલિક સારવાર અર્થે એકતાનગર ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 27 Oct 2026 05:47 PM (IST)Updated: Tue, 27 Oct 2026 05:47 PM (IST)
ekta-nagar-national-unity-parade-2026-28-bsf-personnel-fall-ill-with-dengue

National Unity Parade 2026: નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151 મી જન્મ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબર, 2026 ના રોજ યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લેવા આસામથી આવેલા સીમા સુરક્ષા બળના (BSF) 28 જવાનો ડેન્ગ્યુની ઝપેટમાં આવી ગયા છે.

આસામથી આવેલી BSF 40 જવાનોની ટુકડીમાં એક પછી એક જવાનોને તાવ આવવા લાગતા તાત્કાલિક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 28 જવાનો ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનું સામે આવતાં નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. ડેન્ગ્યુ પોઝિટિવ આવેલા તમામ જવાનોને તાત્કાલિક સારવાર અર્થે એકતાનગર ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે.

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જવાનોની સઘન સારવાર ચલાવવામાં આવી રહી છે, અને તેમના બ્લડ સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી રહી છે. એક સાથે 28 જવાનો ડેન્ગ્યુની ચપેટમાં આવતા 31 ઓક્ટોબરના રોજ યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડમાં આ જવાનો ભાગ લઈ શકશે કે કેમ તે અંગે હાલ સસ્પેન્સ સર્જાયું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ જવાનોની સારવાર ચાલી રહી છે અને તબિયતમાં સુધારો જણાશે તો તેઓ પરેડમાં ભાગ પણ લઈ શકે છે. બીજી તરફ, BSF જવાનોમાં ડેન્ગ્યુના કેસ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. એકતાનગર ખાતે મચ્છરોના ઉત્પતિ સ્થાનો શોધીને તેનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ સમગ્ર વિસ્તારમાં સફાઈ ઝુંબેશ પણ ઝડપી બનાવી દેવામાં આવી છે.