Ekta Nagar National Unity Day 2026: સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિના પાવન અવસરે આજે ૩૧ ઓક્ટોબરના રોજ નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની અતિ ભવ્ય અને ગૌરવપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. બે દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે પહોંચીને દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે હેલિકોપ્ટર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મનોહર પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
વડાપ્રધાન મોદીના આજના દિવસના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ તેઓ સવારે 10:45 વાગ્યાથી લઈને સાંજે 5:10 વાગ્યા સુધી સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે અને વિવિધ બેઠકો તેમજ આયોજનોમાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે 5:15 વાગ્યે તેઓ સર્કિટ હાઉસથી નીકળીને ‘એકતા પથ’ તરફ પ્રસ્થાન કરશે.
આ ઉજવણીના મુખ્ય આકર્ષણ સમાન ‘રાષ્ટ્રીય એકતા પરેડ’નું આયોજન સાંજે 5:30થી 7:40 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે, જેમાં દેશના વિવિધ રાજ્યોના પોલીસ દળો અને સુરક્ષા બળોની ટુકડીઓ ભાગ લઈ રહી છે. વડાપ્રધાન આ પરેડની સલામી ઝીલશે અને દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવી રાખવાના શપથ લેવડાવશે.
એકતાનગર ખાતેના તમામ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ, વડાપ્રધાન રાત્રે 8:00 વાગ્યે વડોદરા એરપોર્ટ જવા માટે રવાના થશે. વડોદરા એરપોર્ટ પર આગમન બાદ તેઓ રાત્રે 9:10 વાગ્યે વિશેષ વિમાન દ્વારા દેશની રાજધાની દિલ્હી જવા માટે પ્રસ્થાન કરશે. સરદાર સાહેબની જન્મજયંતિના આ પ્રસંગે સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને નાગરિકો દેશની એકતાના આ મહાપર્વમાં સહભાગી થવા એકતાનગર ખાતે પહોંચ્યા છે.
