Ekta Diwas 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે પ્રવાસના બીજા દિવસે કેવડિયા સ્થિત એકતાનગર ખાતે સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત એકતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા છે. હાલ સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાનિધ્યમાં દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવના સંદેશ સાથે એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.
એકતાનગર ખાતે યોજાઈ રહેલી આજની એકતા પરેડની આ વર્ષની થીમ નકસલ મુક્ત ભારત રાખવામાં આવી છે. આ પરેડ દ્વારા દેશમાંથી નક્સલવાદને નાબુદ કરવા અને રાષ્ટ્રીય એકતા, શાંતિ અને સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, એકતાનગરમાં આજે સૌ પ્રથમવાર સાંજના સમયે એકતા પરેડ યોજાઈ રહી છે. જેમાં વિવિધ સુરક્ષા દળોની ટૂકડીઓએ ભાગ લીધો હતો.
આ તકે વડાપ્રધાન મોદીએ ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. જેમાં દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે સમર્પિત રહેવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
એકતાનગર ખાતે આયોજિત એકતા પરેડમાં CRPF, NSG, BSF અને પોલીસની ટીમોએ માર્ચ કરી હતી. આ ઉપરાંત દેશના અલગ-અલગ રાજ્યોની સાંસ્કૃતિક ઝલક પણ પરેડમાં જોવા મળી હતી. દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા કલાકારોએ પરંપરાગત વેશભૂષા અને લોકનૃત્યો દ્વારા પરેડમાં સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતુ.
આ એકતા પરેડનો કાર્યક્રમ રાતે 7:40 કલાકે સમાપન થયા બાદ વડાપ્રધાન મોદી 8 વાગ્યે એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે. વડોદરા એરપોર્ટ પરથી સવા 9 વાગ્યાની આસપાસ વડાપ્રધાન દિલ્હી જવા રવાના થશે.
જણાવી દઈએ કે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત પધારેલા વડાપ્રધાને એકતાનગરની મુલાકાત લઈને રુ. 426.70 કરોડના મૂલ્ય ધરાવતા વિવિધ 31 વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસકાર્યોનો મુખ્ય ઉદ્દેશ્ય એકતાનગરને માત્ર સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી મર્યાદિત ન રાખતા તેને એક વિશ્વસ્તરીય ઇકો-ટૂરિઝમ હબ તરીકે વિકસાવવાનો છે.
PM મોદીની આ મુલાકાતમાં નવા વિકસાવવામાં આવેલા 'રેન ફોરેસ્ટ'નું નિરીક્ષણ ખાસ ધ્યાન ખેંચનારું રહ્યું હતું. પ્રવાસીઓને અહીં પ્રાકૃતિક વરસાદી જંગલો જેવો અનુભવ થાય તે માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં કૃત્રિમ વરસાદ, ધોધ, પાણીના મનોહર ફુવારા અને દેશ-વિદેશથી લાવવામાં આવેલી દુર્લભ વનસ્પતિઓ મુખ્ય આકર્ષણ છે.
આ ઉપરાંત કુદરતને નજીકથી માણવા માટે અહીં ખાસ કાચનો સ્કાયવૉક પણ બનાવવામાં આવ્યો છે, જેના પર ચાલીને પ્રવાસીઓ જંગલના અદ્ભુત દ્રશ્યો નિહાળી શકશે.
