Nadiad News: નડિયાદ શહેરમાં વર્ષોથી જર્જરિત બનેલો મેરિડા રોડ હવે નવી ચમક મેળવવા જઈ રહ્યો છે. રૂ. 2.36 કરોડના ખર્ચે બનતા 3.2 કિલોમીટર લાંબા આ નવા રોડના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય પંકજ દેસાઈએ મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. તેમણે સ્ટેજ પરથી જ કોન્ટ્રાક્ટર તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું કે રોડની કામગીરીમાં પારદર્શિતા જાળવીને ગુણવત્તા સાથે કામ પૂરું કરવું જરૂરી છે.
ધારાસભ્ય પંકજ દેસાઈએ કોન્ટ્રાક્ટરને ચેતવણીરૂપે જણાવ્યું કે, રોડ નિર્માણમાં કોઈપણ પ્રકારની ઉદાસીનતા કે નીચી ગુણવત્તા સહન કરવામાં આવશે નહીં. સાથે જ, ત્રણ વર્ષના વોરંટી પીરીયડ દરમિયાન જો રોડમાં તૂટફૂટ અથવા ખામીઓ જોવા મળશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટર પર રહેશે.
માર્ગ અને મકાન વિભાગના એસ.ઓ.ને તેમણે કામગીરીનું નિયમિત અને યોગ્ય નિરીક્ષણ કરવા પણ સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે, નડિયાદના નાગરિકો લાંબા સમયથી આ રોડની ખરાબ હાલતને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા હતા, તેથી હવે નવો રોડ નાગરિકોને આરામદાયક અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડે તેવું બને તે માટે તંત્રએ સજાગ રહેવું જોઈએ.
મેરિડા રોડ નડિયાદના મહત્વપૂર્ણ માર્ગોમાંનો એક છે, જે રોજબરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો અને સ્થાનિક લોકો માટે મુખ્ય જોડાણ માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. ધારાસભ્ય દેસાઈએ ખાતરી આપી કે વિકાસના કાર્યોમાં ગુણવત્તા અને પારદર્શિતા જાળવવી સરકારની પ્રથમ પ્રાથમિકતા છે અને આવનારા સમયમાં પણ નડિયાદના આધુનિકીકરણ માટે વધુ યોજનાઓ અમલમાં આવશે.
