Nadiad News: ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ શહેરની ઓળખ એટલે કે સ્વાદિષ્ટ 'નડિયાદી ભૂસું' (ચવાણું). તેનો અદ્ભુત સ્વાદ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે લોકોના દિલ જીતી રહ્યો છે. આ પરંપરાગત વાનગીની શરૂઆત વર્ષ 1925માં નડિયાદના અમદાવાદી બજાર ખાતે સુખડીયા ગરબડદાસ બાપુજી દ્વારા કરવામાં આવી હતી. દાદા પુરુષોત્તમદાસ સુખડીયા અને તેમના ભાઈઓ મંગુભાઈ, ચંદુભાઈ તેમજ રમણભાઈએ શરૂ કરેલી આ મીઠી-તીખી પરંપરાને વર્ષ 1964માં આણંદ સુધી વિસ્તારવામાં આવી હતી, જે આજે પણ એટલી જ લોકપ્રિય છે.
દિવાળી જેવા તહેવારો દરમિયાન આ સ્વાદિષ્ટ ભૂસું ખરીદવા માટે ગ્રાહકોની ભારે પડાપડી અને ઉત્સાહ જોવા મળે છે. આ પેઢી દ્વારા વાર્ષિક અંદાજે 70થી 80 હજાર કિલો જેટલું ચવાણું બનાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે કુલ ઉત્પાદનમાંથી આશરે 25 હજાર કિલો જેટલું ભૂસું વિદેશોમાં નિકાસ થાય છે. નિકાસ થતા આ ચવાણામાં સૌથી મોટો 60 ટકા હિસ્સો અમેરિકાનો છે, જ્યારે 15 ટકા હિસ્સો કેનેડા જાય છે. આ ઉપરાંત લંડન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને નૈરોબી જેવા દેશોમાં પણ વસતા પ્રવાસીઓ આ સ્વાદને ખૂબ જ ચાહે છે.
આ ભૂસાની અનોખી લોકપ્રિયતા પાછળનું મુખ્ય રહસ્ય તેનું વિશિષ્ટ મિક્સિંગ અને મસાલા છે. તેને તૈયાર કરવા માટે સેવ, પૌંઆનો ચેવડો, મગ, ચણાની દાળ, મકાઈનો ચેવડો, ટમટમ, ફૂલવડી, તીખી સેવ, ચટણી, મસાલા બુંદી અને ગઠીયા જેવી 11 અલગ-અલગ વાનગીઓનું મિશ્રણ કરવામાં આવે છે. આ તમામ સામગ્રીમાં મરચું, હળદર અને ગરમ મસાલા સહિતના 35થી 40 પ્રકારના ગુણવત્તાયુક્ત મસાલાનું ખાસ મિશ્રણ ઉમેરવામાં આવે છે, જે તેને અન્ય ફરસાણ કરતાં તદ્દન અલગ અને અનોખો સ્વાદ આપે છે.

કિંમતની વાત કરીએ તો, સ્થાનિક બજારમાં 400 ગ્રામ નડિયાદી ભૂસાનો ભાવ સામાન્ય અને પરવડે તેવો રહે છે, જ્યારે અમેરિકા જેવા દેશોમાં 400 ગ્રામના પેકિંગ માટે 3 થી 4 ડોલર જેટલો ભાવ હોય છે. તહેવારોના સમયમાં નડિયાદ અને આણંદ સ્થિત તમામ આઉટલેટ્સ પર ખરીદી માટે ગ્રાહકોની ભારે ભીડ જામે છે.
આ સમગ્ર પરંપરા વિશે વાત કરતા ત્રીજી પેઢીના વારસદાર મહેશ સુખડીયા જણાવે છે કે, સ્થાપકો દ્વારા શરૂ કરાયેલો મૂળ સ્વાદ આજે પણ એવો જ જાળવી રાખવામાં આવ્યો છે. સમયની સાથે ગ્રાહકોની જરૂરિયાત મુજબ પેકેજીંગમાં આધુનિક બદલાવ કરવામાં આવ્યા છે, પરંતુ સ્વાદ સાથે ક્યારેય સમજોતો કરવામાં આવ્યો નથી. જૂની પેઢીની સાથે નવી યુવા પેઢી પણ આ સ્વાદની દીવાની છે. યુવાનોની બદલાતી પસંદગીને ધ્યાનમાં રાખીને હાલમાં 'ડાયટ ચવાણું' સહિતની નવી વેરાયટીઓ પણ શરૂ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં આણંદમાં ૫ અને નડિયાદમાં ૨ આઉટલેટ્સ સફળતાપૂર્વક કાર્યરત છે, જ્યાં ચવાણાની સાથે વિવિધ ગિફ્ટ હેમ્પર્સ અને નમકીનની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે.
