Kheda News: ખેડાના કઠલાલ-સોનપુરા હાઈવે પર રોંગ સાઇડથી આવતા ડમ્પરે ઇનોવા કારને ટક્કર મારતા ઇનોવા કારનું પડીકું વળી ગયું હતું. અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળેજ મોત નીપજ્યાં હતા જ્યારે પાંચ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતનો ભોગ બનેલા યુવકો ઉજ્જૈન દર્શન કરીને અમદાવાદ પરત ફરી રહ્યાં હતા.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કઠલાલ પાસે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર સોનપુરા પાસે રવિવારે સવારે એક ડમ્પર રોંગ સાઇડથી આવ્યું હતું અને અમદાવાદ તરફ જઇ રહેલી ઇનોવા કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ઇનોવા કારના ફૂરચા વળી ગયા હતા. કારમાં સાત લોકો સવાર હતા. જેમાંથી વિનોદ ચૌહાણ અને ગજાનંદ ઉપાધ્યાયના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે પાંચને ઇજા પહોંચી હતી.
કારમાં સવાર યુવકોની ચીસો સાંભળીને આસપાસના લોકો અકસ્માત સ્થળે પહોંચ્યા હતા અને કારમાં સવાર યુવકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા કઠલાલ પોલીસ પહોંચી હતી. પોલીસે બન્ને યુવકોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઇજાગ્રસ્તેને 108 મારફત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, યુવકો રેલવેમાં કામ કરતા હતા અને રમત-ગમતમાં રાષ્ટ્રીય ક્ષેત્રે નામના ધરાવતા હતા. મૃતકો વિનોદ ચૌહાણ ઉંચી કૂદમાં અને ગજાનંદ ઉપાધ્યાયે ભાલા ફેંકમાં મેડલ જીત્યા હતા. જ્યારે ઇજાગ્રસ્તોમાં હનુમાનસિંગ રાજપુત બાસ્કેટબોલમાં, મધુકુમાર રાજપુત ભાલા ફેંકમાં તથા ઉેમદસિંહ રાજપુતે એથ્લેટિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેડલ મેળવ્યા છે.
મૃતકોના નામ
- વિનોદ રાજ્યપાલસિંહ ચૌહાણ
- ગજાનંદ ઉપાધ્યાય
ઇજાગ્રસ્તોના નામ
- મધુકુમાર વીરસિંગ રાજપુત
- ઉમેદસિંગ મોહનસિંગ રાજપુત
- મુકેશભાઈ કાનજીનાઇ દેસાઈ
- હનુમાનસિંગ બલવીરસિંગ રાજપુત
- ઓમનારાયણ શ્રીપતસિંહ પરમાર