Morbi: મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં પાલિકાના ચૂંટાયેલા સભ્યની બેદરકારી અને પાલિકા દ્વારા છેલ્લા 9 મહિનાથી સામાન્ય સભા ન મળવા સહિતની બાબતો અંગે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે કારણ દર્શક નોટીસ પાઠવી હતી. ગઇ 19 જાન્યુઆરીના રોજ પાલિકા પ્રમુખને નોટીસ પાઠવવામાં આવી હતી. આ દુર્ઘટનામાં ચૂંટાયેલા સભ્યોની પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારી સામે આવી હતી. જેથી ચૂંટાયેલી પાંખને સુપરસીડ કેમ ન કરવામાં આવે એ બાબતે જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. આ નોટીસનો જવાબ આપવા માટે આજે મોરબી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા મળી હતી.
સામાન્ય સભાની શરૂઆતમાં પાલીકાના ચૂંટાયેલા સભ્યોએ ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકો, પીએમ મોદીના માતા હીરાબા તથા તાજેતરમાં મૃત્યુ પામેલા પાલિકાના કર્મચારીઓ માટે 2 મિનિટનું મૌન પાડ્યું હતું. મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પ્યા બાદ સભાની કામગીરી શરૂ કરાઈ હતી. અગાઉ બોલાવવામાં આવેલી સભાના ઠરાવ અને પ્રોસીડીંગને સર્વાનુમતે નામંજૂર કરાયા હતા.
શહેરી વિકાસ વિભાગ દ્વારા પાઠવવામાં આવેલી નોટીસને ખુલાસા અર્થે મુકવામાં આવી હતી. જેમાં પ્રમુખે જવાબ રજૂ કર્યો હતો કે, રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે નગરપાલીકાની જવાબદારી નક્કી કરી હતી. જોકે, ઝુલતા પુલની દુર્ઘટના બાદ તેને લગતા રેકોર્ડ તપાસ સમિતિ પાસે છે. સરકારની નોટીસનો જવાબ રજૂ કરવા માટે જરૂરી કાગળ અને આધાર પુરાવા સરકારમાંથી માગવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે. સરકાર તરફની તપાસ સમિતિ દ્વારા કાગળ રજૂ કરવામાં આવ્યા બાદ સર્વાનુમતે સભ્યો દ્વારા જવાબ રજૂ કરવામાંઆવશે. ત્યાં સુધી આ સંદર્ભે કોઇ નિર્ણય ન્યાના હિતમા ન કરવા વિનંતી કરતો ઠરાવ સર્વાનુમતે લેવામાં આવ્યો હતો.