Morbi Demolition: મોરબીમાં પંચાસર રોડ પર મેગા ડિમોલેશન, તળાવની જમીન પરના 187 ગેરકાયદે દબાણો જમીનદોસ્ત

200 પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 6 અલગ-અલગ ટીમો દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ. સાવરની પાળ પાસેના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Oct 2026 11:17 AM (IST)Updated: Thu, 08 Oct 2026 11:22 AM (IST)
morbi-mega-demolition-bulldozers-flatten-187-illegal-structures-near-panchasar-road

Morbi Mega Demolition: મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. આજે મોરબીના પંચાસર રોડ પર આવેલી સાવરની પાળ પાસે તળાવની જમીન પર ખડકાયેલા ગેરકાયદે બાંધકામો સામે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. તળાવની કિંમતી જમીનને ખુલ્લી કરાવવા માટે મનપા દ્વારા એક મોટું મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ ડિમોલેશનની કામગીરીને સફળ બનાવવા માટે મંત્રાલય અને તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 10 જેસીબી અને 6 હિટાચી મશીનો કામે લગાડવામાં આવ્યા છે. કામગીરીને ઝડપી બનાવવા માટે 100 જેટલા શ્રમિકો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 200 જેટલા પોલીસ જવાનોનો ચુસ્ત કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા આ સમગ્ર ઓપરેશન માટે 6 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે, જેઓ સંકલન સાધીને દબાણો તોડી પાડવાની કામગીરી ઝડપથી કરી રહી છે. તળાવની માલિકીની જમીન પર ખડકાયેલા કુલ 187 જેટલા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવાની આ કવાયત ચાલી રહી છે. તંત્ર દ્વારા આ કાર્યવાહી કરતા પૂર્વે સંબંધિત ગેરકાયદે કબજેદારો અને દબાણકર્તાઓને અગાઉ નિયમોનુસાર નોટિસ આપવામાં આવી હતી. નિર્ધારિત મુદત પૂરી થઈ જવા છતાં દબાણો ખાલી ન કરવામાં આવતા, અંતે તંત્ર દ્વારા આજે આ સપાટો બોલાવવામાં આવ્યો છે.