Morbi Car Fire Video: મોરબીના વાઘપરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કારનું સેન્સર વારંવાર વાગતા અવાજથી કંટાળેલા યુવકે કાર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. એટલું જ નહીં, આરોપીએ પોતાના મોબાઈલમાં સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. આ ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહિલા વકીલની ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી શિખર ગોહેલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વાઘપરા વિસ્તારમાં રહેતા એડવોકેટ પુષ્પા ભટ્ટે પોતાની સ્વિફ્ટ કાર ઘર પાસે પાર્ક કરી હતી. કારમાં કોઈ વ્યક્તિ કે અબોલ જીવ નજીક આવે અથવા કારને અડે ત્યારે સેન્સરનો અવાજ સંભળાતો હતો. આ અવાજ વારંવાર આવતો હોવાથી પડોશમાં રહેતા શિખર ગોહેલને કંટાળો આવતો હતો. આખરે આ બાબતને લઈને તેણે ગુનાહિત પગલું ભર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
પુષ્પા ભટ્ટે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 28 ઓક્ટોબર, 2026 ના રોજ સાંજે આશરે 4:45 વાગ્યે આરોપી શિખર ગોહેલ બોટલમાં પેટ્રોલ લઈને કાર પાસે પહોંચ્યો હતો. ત્યારબાદ તેણે કારના બોનેટ અને આગળના ભાગમાં પેટ્રોલ છાંટયું હતું અને દીવાસળી ચાંપીને કારને આગ લગાવી દીધી હતી.
આ ઘટનાના CCTV ફૂટેજમાં આરોપીની હરકતો સ્પષ્ટ રીતે જોવા મળી છે. આરોપી બોટલ લઈને કાર પાસે આવે છે અને તેના આગળના ભાગમાં પેટ્રોલ છાંટે છે. ત્યારબાદ દિવાસળી ચાંપતાં જ કારમાં આગ ભભૂકી ઊઠે છે. કાર આગની લપેટમાં આવતા આરોપી થોડે દૂર ખસી જાય છે. જોકે, ઘટનાસ્થળેથી દૂર જવાને બદલે તે પોતાના મોબાઈલ ફોનમાં સળગતી કારનો વીડિયો ઉતારતો જોવા મળે છે.
આસપાસ શેરીમાં લોકોની અવરજવર હોવા છતાં આરોપી નિર્ભયતાથી વીડિયો બનાવી રહ્યો હતો. આગ ફેલાતા જોતજોતામાં કાર તેની લપેટમાં આવી ગઈ હતી. ત્યારબાદ આરોપી અન્ય કારમાં બેસીને ત્યાંથી નીકળી ગયો હતો. કારમાં આગ લાગતા વાહનને ભારે નુકસાન થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં આશરે રૂ. 3.50 લાખનું નુકસાન થયું છે.
મહિલા વકીલ પુષ્પા ભટ્ટની ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી શિખર ગોહેલ સામે ગુનો નોંધી તેને અટકાયતમાં લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન કારના સેન્સરનો વારંવાર વાગતો અવાજ આવતો હોવાથી કંટાળીને પેટ્રોલ છાંટી કાર સળગાવી હોવાનું આરોપીએ કબૂલ્યું છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
