BAPS Morbi Temple Inauguration: સિરામિક સિટી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત અને મચ્છુ નદીના કાંઠે વસેલા મોરબી શહેર માટે વિજયાદશમીનો દિવસ ઐતિહાસિક બની રહ્યો. બરાબર 7 વર્ષ, 4 મહિના અને 2 દિવસના લાંબા સમયગાળા બાદ BAPS સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનું મોરબીની ધરા પર આગમન થતાં જ સમગ્ર સત્સંગ સમાજમાં દિવાળી જેવો ઉલ્લાસ છવાઈ ગયો હતો.
નવનિર્મિત ભવ્ય શિખરબદ્ધ BAPS સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પધારેલા ગુરુહરિ મહંતસ્વામી મહારાજનું ઉદ્યોગપતિઓ, ગણમાન્ય નાગરિકો અને હજારો હરિભક્તો દ્વારા ભાવભીનું સામાજિક-સાંસ્કૃતિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
ફુગ્ગા અને રંગોળીથી સજ્જ પરિસર
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના લોન્ચિંગ પ્રસંગે મહંતસ્વામી મહારાજે મહોત્સવના લોગો વાળા ફુગ્ગાઓને ગગનમાં મુક્ત કર્યા હતા. અપૂર્વમુનિ સ્વામી, બ્રહ્મતીર્થ સ્વામી તેમજ આત્મકીર્તિ સ્વામી સહિતના સંતોએ પુષ્પહાર પહેરાવીને સ્વામીશ્રીનું શાબ્દિક અને ભક્તિભાવપૂર્વક અતિથિ સત્કાર કર્યો હતો. આ પ્રસંગે તમામ દર્શનાર્થીઓ માટે ફાફડા-જલેબીની પ્રસાદીની પણ સુંદર વ્યવસ્થા કરાઈ હતી.

મોરબી સાથે BAPSનો સંસ્કાર વારસો
મોરબીની ભૂમિ પર ભગવાન સ્વામિનારાયણના વિચરણથી માંડીને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના અનેકવિધ પધરામણાઓનો ઇતિહાસ રહ્યો છે. 1979ની મચ્છુ હોનારત વખતે પ્રમુખસ્વામી મહારાજે ચલાવેલો સેવાયજ્ઞ મોરબીવાસીઓ આજે પણ યાદ કરે છે. ત્યારબાદ 12 જૂન, 2019ના રોજ મહંતસ્વામી મહારાજના હસ્તે આ મંદિરનો ખાતમુહૂર્ત વિધિ થઈ હતી, જે આજે ભવ્ય મંદિર સ્વરૂપે આકાર પામી ચૂક્યું છે.

આધ્યાત્મિક કાર્યક્રમોની વિગત
28 ઓક્ટોબર થી 2 નવેમ્બર: દરરોજ સવારે પ્રાતઃપૂજા દર્શન અને સાંજે વિશેષ સાંસ્કૃતિક-સત્સંગ સભાઓ.
2 નવેમ્બર (સોમવાર): સાંજે 4:00 થી 7:00 'વિરાટ મહિલા સંમેલન'.
4 નવેમ્બર: મહંતસ્વામી મહારાજ મોરબીથી ગોંડલ તરફ પ્રયાણ કરશે.
BAPS પરિવાર અને મોરબીના સંતો દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
