Seva Sankalp Abhiyan: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા અને સમર્પણના અવિરત 25 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે, ભારતીય જનતા પાર્ટી દ્વારા 17 સપ્ટેમ્બર થી 7 ઓકટોબર દરમિયાન દેશવ્યાપી 'સેવા સંકલ્પ અભિયાન' યોજાનાર છે. આ અભિયાન અંતર્ગત 'વડનગરથી વારાણસી' અને 'વારાણસીથી વડનગર' એમ બે ઐતિહાસિક બાઈક સેવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જન્મભૂમિ વડનગર અને કર્મભૂમિ વારાણસીથી ભવ્ય પ્રારંભ
આવતીકાલે સવારે 9:30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને તેમની જન્મભૂમિ વડનગર અને કર્મભૂમિ વારાણસી બંને સ્થળેથી એકસાથે, બે અલગ-અલગ દિશામાં આ બાઈક સેવા યાત્રાનો પ્રારંભ થવાનો છે.
વડનગર ખાતે: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આ બાઈક સેવા યાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેજી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.
વારાણસી ખાતે: આ જ સમયે રક્ષામંત્રી રાજનાથસિંહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ઉપસ્થિત રહી યાત્રાને પ્રસ્થાન કરાવશે.
યાત્રાનું વિશાળ સ્વરૂપ: 10 રાજ્યો અને 40,000 કિમીનો પ્રવાસ
આ વિશાળ યાત્રા માત્ર બે સ્થળો વચ્ચેનો પ્રવાસ નથી, પરંતુ તે દેશના 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1,159 જેટલાં ગામડાંઓમાંથી પસાર થઈને અંદાજે 40,000 કિલોમીટરનું અંતર કાપશે.
વડનગર અને વારાણસી બંને દિશામાંથી શરૂ થનારી આ બાઈક સેવા યાત્રામાં કુલ 1,000 યુવાનો ભાગ લેશે.
આ યાત્રા 10 અલગ-અલગ રૂટ પરથી પસાર થશે અને 7 ઓક્ટોબરના રોજ પીએમ મોદીના 25 વર્ષ પૂર્ણ થવાના દિવસે તેનું સમાપન થશે.
યાત્રા દરમિયાન યોજાનાર સેવાકીય કાર્યો
આ યાત્રા માત્ર પ્રવાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે સેવા અને જનકલ્યાણનું માધ્યમ બનશે. યાત્રા દરમિયાન અનેક વિશેષ કાર્યક્રમો યોજાશે.
- વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન
- નશામુક્ત ભારત અને ટીબી મુક્ત ભારત અભિયાન
- જળસંરક્ષણ જાગૃતિ અને સફાઈ કર્મચારીઓનું સન્માન
- સરકારી યોજનાઓના લાભાર્થીઓ, યુવાનો અને મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલા નાગરિકો સાથે સંવાદ
પવિત્ર નદીઓના જળથી જળાભિષેક
ગુજરાતના ચારેય ઝોન (સોમનાથ, શામળાજી, પાવાગઢ અને ઉનાઈ) થી નીકળેલી ઉપયાત્રાઓ દ્વારા પવિત્ર જળ એકત્ર કરીને વડનગર લાવવામાં આવ્યા છે. વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવનું જળ ઉમેરીને હાટકેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક કરવામાં આવશે અને આ કળશ વારાણસી લઈ જઈને કાશી વિશ્વનાથ મહાદેવજીનો જળાભિષેક કરાશે. તેવી જ રીતે, વારાણસીથી આવતી યાત્રા પણ વિવિધ નદીઓનું પવિત્ર જળ હાટકેશ્વર મહાદેવ મંદિરે અર્પણ કરશે.
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ પ્રધાનમંત્રીના 25 વર્ષના સેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના કાર્યોને જન-જન સુધી પહોંચાડીને 'વિકસિત ભારત'ના સંકલ્પને મજબૂત કરવાનો છે.
