SPG Patidar Mahasammelan Mehsana: શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે મહેસાણા ખાતે એક ભવ્ય પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે સમાજના સર્વાંગી ઉત્થાન, યુવાનોના ભવિષ્ય, રોજગારી તથા દીકરીઓની સુરક્ષાને લઈને અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે સરદાર સાહેબના આદર્શો અને વિચારોને યાદ કરી સમાજમાં એકતા, સંઘર્ષ અને સેવાનો હુંકારો ભર્યો હતો.
સવા કરોડ પાટીદારોને જોડવાનું લક્ષ્ય અને 1 કરોડની આર્થિક સહાયનું આયોજન
લાલજી પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, એસપીજી દ્વારા 31 ઓક્ટોબર 2026 સુધીમાં 1 લાખ સભ્ય પરિવારોને જોડવાનો જે પ્રાથમિક લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, સંસ્થા તેની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે. આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાંથી સવા કરોડ (1.25 કરોડ) પાટીદારોને આ સેવાકીય યોજના સાથે જોડવાનો મક્કમ સંકલ્પ છે.
તેમણે યોજનાની વિગતો આપતા કહ્યું કે, 1200 રૂપિયાની લાઈફટાઈમ મેમ્બરશીપ ધરાવતા કોઈપણ સભ્ય પર જ્યારે અણધારી આફત, ગંભીર બીમારી આવે કે પરિવારના મોભીનું અવસાન થાય, ત્યારે સંસ્થા દ્વારા માત્ર 72 કલાકની અંદર લાખો રૂપિયાની આર્થિક સહાય તે પરિવાર સુધી પહોંચાડવામાં આવે છે. હાલમાં જેઓ એસપીજીના સભ્ય નથી તેવા પીડિત પરિવારને પણ 51,000 રૂપિયાની મદદ કરાય છે. ભવિષ્યમાં જ્યારે સવા કરોડ પાટીદારો જોડાશે અને દરેક વ્યક્તિ માત્ર 1 રૂપિયો ડોનેશન આપશે, ત્યારે આપત્તિમાં મુકાયેલા પરિવારને 1 કરોડ રૂપિયા સુધીની જંગી આર્થિક સહાય આપવાનું આયોજન છે.
1 લાખ યુવાનોના લગ્નનો સંકલ્પ અને કાયદામાં સુધારાની માગ
યુવાનોની રોજગારી અને લગ્નની મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરતા લાલજી પટેલે જાહેરાત કરી હતી કે એસપીજી દ્વારા 1 લાખ અપરિણિત યુવાનોના લગ્ન કરાવવાની જવાબદારી લેવામાં આવશે. આ સાથે જ તેમણે લગ્ન નોંધણી કાયદામાં સુધારા અંગે ચીમકી આપતા જણાવ્યું કે, દીકરીઓને ષડયંત્રથી ફસાવીને થતા લગ્નો અટકાવવા માટે લગ્ન નોંધણીના કાયદામાં સત્વરે કડક સુધારો કરવો જરૂરી છે. જો સરકાર કાયદામાં સુધારો નહીં કરે તો ગાંધીનગર સુધી ભવ્ય કૂચ કરવામાં આવશે. તેમજ એસપીજીની 108 ટીમે અત્યાર સુધીમાં 15,000 થી વધુ દીકરીઓને સુરક્ષિત રીતે પરિવાર પાસે પરત લાવી છે અને 15,000 યુવાનોને છેતરાતા બચાવ્યા છે.
151 કારોની ભવ્ય રેલીઓ અને યુવાનોને પ્રેરણાદાયી સંદેશ
લાલજી પટેલે સરદાર પટેલના મૂળ મંત્રને યાદ અપાવતા કહ્યું કે, "સાચું કહેવાની હિંમત રાખો, કાળજું સિંહનું રાખો અને અન્યાય સામે અવિરત લડતા રહો." તેમણે યુવાનોને દરરોજ 8 થી 12 કલાક મહેનત કરવા, અભ્યાસમાં ધ્યાન આપવા અને વ્યસનોથી દૂર રહેવાની અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સરદાર પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે સાબરકાંઠા, વિજાપુર, અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી 151 કારોના કાફલા સાથે ભવ્ય રેલીઓ યોજાઈ હતી, જ્યારે વડોદરાથી 182 ગાડીઓની રેલી યોજાઈને ભાઈઓ સંમેલનમાં પહોંચ્યા હતા. લાલજી પટેલે સંમેલનમાં હાજર તમામ રાજકીય આગેવાનો, દાતાઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
