Mehsana News: મહેસાણાના કડી તાલુકામાં આવેલા નંદાસણમાં એક સગીરા સાથે દુષ્કર્મની આઘાતજનક ઘટના સામે આવી છે. આ ઘટનામાં આરોપી યુવક પર એવો આક્ષેપ છે કે, તેણે સગીરાને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ આરોપીએ સગીરાને દબાણપૂર્વક ગર્ભ નિરોધક ગોળીઓ આપીને ગર્ભપાત કરાવ્યો. જેને લઈને સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સગીરા સાથે દુષ્કર્મની ઘટના
મળતી માહિતી પ્રમાણે, નંદાસણની 16 વર્ષની સગીરાને જોટાણાના ધનાલી ગામના રહેવાસી જયેશજી ભરતજી ઠાકોરે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાના ભોળપણનો ફાયદો ઉઠાવતાં લલચાવી ફોસલાવીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.જેના લીધે 16 વર્ષીય સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી. પરંતુ સગીરાને ગર્ભ રહી જતાં આરોપી ગર્ભપાત કરવા અંગે સતત દબાણ આપતો.
દબાણપૂર્વક ગર્ભપાત કરાવ્યાનો આરોપ
આક્ષેપ પ્રમાણે, સગીરાને ગર્ભ ન રહે તે માટે ઠાકોર જયેશજી દ્વારા સતત માનસિક દબાણ આપવામાં આવ્યું. આરોપીના સતત દબાણને વશ થઇને સગીરાએ ગર્ભ નિરોધક ગોળીઓનું સેવન કરી લીધું હતું. પરિણામે સગીરાનો પાંચ મહિનાના ગર્ભનો ગર્ભપાત થઈ ગયો હતો. જ્યારે સમગ્ર હકીકતની જાણ સગીરાની માતાને થઈ ત્યારે તેણે નંદાસણ પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.
પોક્સો હેઠળ ગુનો નોંધાયો
નંદાસણ પોલીસે સગીરાની માતાના આક્ષેપના આધારે આરોપી સામે બીએનએસ અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
