Bayad News: અરવલ્લી જિલ્લાના બાયડના ગાબટ રોડ પર પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઇક પર જઇ રહેલા શ્રમજીવી પરિવારને અડફેટે લીધો હતો. જેમાં પતિ-પત્ની અને બે બાળકો સહિત ચારના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, મૂળ છોટાઉદેપુરનો શ્રમજીવી પરિવાર છેલ્લા એક વર્ષથી ખેત મજૂરી અર્થે સાબરકાંઠાના તલોદના જવાનપુર ખાતે આવ્યો હતો. આજે સવારે 8 વાગ્યાની આસપાસ શ્રમિક જસૂ નાયક પત્ની અને બે બાળકો સાથે બાઈક પર કોઇ અર્થે જઇ રહ્યા હતા. જે દરમિયાન ગાબટ ત્રણ રસ્તા પાસે ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પુરપાટ ઝડપે સામેથી આવી હતી અને બાઇકને અડફેટે લીધું હતું. ટ્રક નીચે આવી જતાં બાઇક સવાર શ્રમિક, તેની પત્ની અને તેના બન્ને બાળકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.
અકસ્માત થયો હોવાની જાણ થતાં સ્થાનિકો એકઠાં થઇ ગયા હતા. બનાવ અંગે જાણ કરવામાં આવતા બાયડ પોલીસ પહોંચી હતી અને ચારેય મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત કરનાર ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.