અંબાજી
આગામી 12 ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી-2023 દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ધર્મ અને સંસ્કૃતિના સમન્વયને ઉજાગર કરતા 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' (51 Shaktipeeth Parikrama Mahotsav) પ્રસંગે અંબાજી ગબ્બર તળેટી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા કલેક્ટર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે સાંજે- ૭.૩૦ કલાકે ગબ્બર તળેટી પ્રવેશદ્વાર પાર્કિગ પાસે યોજાનાર આ કાર્યક્રમમાં તા. 12મી ફેબ્રુઆરીએ કલાકાર સાંત્વની ત્રિવેદી અને તા. 13 ફેબ્રુઆરીના રોજ ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોક ડાયરાની રંગત જમાવશે.
જ્યારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તા. 14ના રોજ પાર્થિવ ગોહિલ, તા.15ના રોજ સાંઇરામ દવે અને તા. 16 ફેબ્રુઆરીના રોજ કિંજલ દવે સહિતના કલાકારો ભક્તિ રસની રમઝટ બોલવાશે.
રાજ્ય સરકાર તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આયોજીત 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' માં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા ભરતનાટ્યમ, પ્રાર્થના, ગરબો, શાસ્ત્રીય અને ભક્તિ સંગીત, રામની રમઝટ, દુર્ગા સ્તુતિ ભરત નાટ્યમ, લોક નૃત્ય ગરબો, ગરબે ઘૂમે, સંતવાણી સાહિત્ય મા આરાધના અને લોક ડાયરો યોજાશે.
