Gujarat By Elections 2025: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું મતદાન, કહ્યું- ભારે વરસાદના કારણે મતદાન ધીમુ, બપોર પછી સારું વોટિંગ થશે

નીતિન પટેલે જણાવ્યું કે, બપોર પછી સારું મતદાન થશે. મને ખાતરી છે કે એકંદરે 60%થી વધુ મતદાન થશે. જુઓ, આ બેઠક ભાજપની છે અને ભાજપ હંમેશા આ બેઠક જીતે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 19 Jun 2025 03:10 PM (IST)Updated: Thu, 19 Jun 2025 03:10 PM (IST)
gujarat-by-elections-2025-former-dy-cm-nitin-patel-votes-says-voting-slow-due-to-rain-latest-news

Gujarat By Elections 2025: આજે કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 30 ટકાથી વધુ મતદાન આ બેઠક પર થયું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. પોતાનો મત આપ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હોવાથી મતદાન ધીમું થઇ રહ્યું છે. જોકે બપોર પછી સારું મતદાન થશે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે, આજે મહેસાણા જિલ્લાના કડી વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. અને અત્યાર સુધીમાં સમગ્ર વિધાનસભા વિસ્તારમાં 25% મતદાન થયું છે. મને આશા છે કે અહીં 60%થી વધુ મતદાન થશે. ગઈકાલે રાત્રે ઘણી જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે. આ કારણે પણ મતદાન થોડું ધીમું થઈ રહ્યું છે. પરંતુ બપોર પછી, બધી બહેનો પોતાનું બધું કામ પૂર્ણ કરીને મતદાન માટે આવશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, બપોર પછી સારું મતદાન થશે. મને ખાતરી છે કે એકંદરે 60%થી વધુ મતદાન થશે. જુઓ, આ બેઠક ભાજપની છે અને ભાજપ હંમેશા આ બેઠક જીતે છે. કરોડો લોકોને આપણી ભારત સરકાર અને ગુજરાત સરકારની ઘણી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. તેથી, અને દેશ સેવા અને વિકાસ, દેશભક્તિ અને વિકાસ બંને જોઈને, મને ખાતરી છે કે મતદારો આપણી ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશે.

કડી વિધાનસભા બેઠક પર ભાજપે રાજેન્દ્રકુમાર ચાવડાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે. ત્રણેય પક્ષોએ આ બેઠક જીતવા માટે એડીચોંટીનું જોર લગાવ્યું છે. મહેસાણા જિલ્લાની 24-કડી (અ.જા.) વિધાનસભા મતવિસ્તારમાં આખરી મતદારયાદી પ્રમાણે 1,49,760 પુરુષ, 1,40,092 મહિલા અને ત્રીજી જાતિના 04 મળી કુલ 2,89,856 મતદારો નોંધાયા છે.