Dharoi Dam Tourism Project: ધરોઈ ડેમ ખાતે ડિસેમ્બરથી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ માણી શકશે, જાણો નવા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન વિશે

આ પ્રોજેક્ટનો પહેલો તબક્કો આગામી ડિસેમ્બર સુધીમાં કાર્યરત થતાં પ્રવાસીઓ બોટિંગ સહિત વિવિધ વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી શકશે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 28 Jul 2025 10:30 AM (IST)Updated: Mon, 28 Jul 2025 10:30 AM (IST)
dharoi-dam-water-sports-to-begin-this-december-transforming-it-into-a-new-tourist-destination
HIGHLIGHTS
  • રાજ્યના જળસંપત્તિ વિભાગ દ્વારા રૂપિયા 374 કરોડના ખર્ચે પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો લગભગ પૂર્ણ થવાના આરે છે.

Dharoi Dam Tourism Project: ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે ધરોઈ ડેમ સાઈટ ખાતે રૂપિયા 1060 કરોડના ખર્ચે એક ભવ્ય ટૂરિઝમ પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટનો પહેલો તબક્કો આગામી ડિસેમ્બર સુધીમાં કાર્યરત થતાં પ્રવાસીઓ બોટિંગ સહિત વિવિધ વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી શકશે.

રાજ્યના જળસંપત્તિ વિભાગ દ્વારા રૂપિયા 374 કરોડના ખર્ચે પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો લગભગ પૂર્ણ થવાના આરે છે. તાજેતરમાં મુખ્યમંત્રી સ્તરે આ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ તબક્કામાં રોડ નેટવર્ક, 75 હેક્ટર જમીનમાં વોટર સપ્લાય, વીજળી, ડ્રેનેજ વ્યવસ્થા, સેનિટેશનના કામો પૂર્ણ થઈ ચૂક્યા છે. આઈસીટી નેટવર્ક તૈયાર થઈ રહ્યું છે અને એક વિશાળ ઉદ્યાન પણ બની ચૂક્યો છે. પાણીને સમાંતર વોકવે માટે આરસીસીના લોઅરલેવલ તથા અપરલેવલ પ્રોમીનેડ તૈયાર થઈ ગયા છે અને હવે ફ્લોટિંગ જેટી પાણીમાં નાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કાનું 80 ટકા કામ પૂરું થઈ ચૂક્યું છે.

બીજા તબક્કામાં રિવરફ્રન્ટ અને એમ્ફીથિયેટર

પ્રથમ તબક્કા બાદ રૂપિયા 421 કરોડનો ખર્ચ ધરાવતો બીજો તબક્કો પણ સમાંતર ચાલી રહ્યો છે અને તેને ફેબ્રુઆરી-2026 સુધીમાં પૂર્ણ કરવાનું જળસંપત્તિ વિભાગનું આયોજન છે. આ તબક્કામાં ડેમની બંને તરફ લગભગ સાડા ત્રણ કિલોમીટર લાંબો અને 40 મીટર પહોળાઈ ધરાવતો રિવરફ્રન્ટ આકાર લઈ રહ્યો છે. આ સાથે, 2 હજાર ચોરસ મીટર ક્ષેત્રફળમાં એક વિશાળ એમ્ફીથિયેટર પણ તૈયાર થઈ રહ્યું છે. ભવિષ્યમાં અહીં લેસર શો માટે કાયમી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવાનું પણ આયોજન છે. બીજા તબક્કાની લગભગ 60 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.

ત્રીજા અને અંતિમ તબક્કામાં બોટનિકલ ગાર્ડન અને થીમ પાર્ક

પ્રોજેક્ટનો ત્રીજો અને અંતિમ તબક્કો રાજ્યના પ્રવાસન વિભાગને સોંપવામાં આવ્યો છે, જેમાં રૂપિયા 265 કરોડના ખર્ચે વિશાળ બોટનિકલ ગાર્ડન, આઈલેન્ડ ગેટવે, અર્થ એક્સપિરિયન્સ પાર્ક, વોટર-સ્કાય-સન-વિન્ડ એક્સપિરિયન્સીસ પાર્કસ બનાવવાનું આયોજન છે.

હાલમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા ખાતે જેસ્સોર રીંછ અભયારણ્ય તથા નડાબેટ સીમા દર્શન સાઈટ સિવાય કોઈ મોટા પ્રવાસન આકર્ષણો નથી. આવા સંજોગોમાં ધરોઈ ડેમ સાઈટ ખાતે આ ભવ્ય ટૂરિસ્ટ પ્રોજેક્ટ તૈયાર થઈ જતાં ઉત્તર ગુજરાતના પ્રવાસન નકશામાં એક નવું અને મહત્વપૂર્ણ સ્થળ ઉમેરાશે.