Gujarati family dead in attempt to enter US from Canada: અમેરિકા જવાની ઘેલછામાં અનેક પરિવારોએ પોતાના વ્હાલસોયા ગુમાવવા પડ્યાં છે. કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતી વખતે બોટ પલટી જતાં 8 લોકોના મોત નીપજ્યાં હતા. જેમાં એક ભારતીય પરિવાર હોવાનું બહાર આવ્યું હતું. આ પરિવારની ઓળખ કરવામાં આવતા મહેસાણા જિલ્લાનો ચૌધરી પરિવાર હોવાનું સામે આવ્યું છે. બનાવને લઇને ચૌધરી સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, મહેસાણા જિલ્લાના ડાભલા માણેકપુર ગામનો ચૌધરી પરિવાર કેનેડાથી અમેરિકા સેન્ટ લોરેન્સ નદી પાર કરીને જઇ રહ્યો હતો. તેમની સાથે એક રોમાનિયન પરિવાર પણ હતો. નદી પાર કરતી વખતે તેમની બોટ પલટી મારી ગઇ હતી અને આ દુર્ઘટનામાં ચૌધરી પરિવારના સભ્યોએ જીવ ગુમાવવો પડ્યો હતો. આ દુર્ઘટનામાં ચૌધરી પરિવારના પિતા અને પુત્ર-પુત્રીનો સમાવેશ થાય છે. ગામના જ ચૌધરી પરિવારના ત્રણ સભ્યોના મોતની જાણ થતાં ગામમાં આઘાત અને શોક પ્રસરી ગયો હતો.
મૃતકોની યાદી
- પ્રવિણ વેલજીભાઈ ચૌધરી (ઉ.વ.50)
- વિધિબેન પ્રવિણભાઈ ચૌધરી ( ઉ.વ.23)
- મીત પ્રવિણભાઈ ચૌધરી (ઉ.વ.20)
શું છે સમગ્ર બનાવ
કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશ કરતી વખતે બોટ પલટી જતાં 8 લોકોના મોત નીપજ્યાં હતા. આ મૃતકોમાં એક ભારતીય પરિવાર અને એક રોમાનિયન પરિવાર હતો. બનાવ અંગે અમેરિકાના એક્વેસાસ્ને મોહૌક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસને ગુરુવારે કેનેડા-યુએસ બોર્ડર પર સેન્ટ લોરેન્સ નદીમાં ભેજવાળા વિસ્તારમાંથી મૃતદેહો મળ્યા હતા. ગુરુવારે 6 મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસનું માનવું છેકે બુધવારે વાતાવરણ ખરાબ હતું. અને આ બન્ને પરિવારો જે બોટમાં મુસાફરી કરી રહ્યાં હતા એ બોટ નાની હતી. જેથી ભારે પવન અને ખરાબ હવામાનના કારણે બોટ પલટી ગઇ હશે.