Ghumasan Village School: ગુજરાતમાં શિક્ષણ પ્રત્યેનો સમાજ અને ગ્રામજનોનો લગાવ કેવો હોઈ શકે તેનું જીવંત ઉદાહરણ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઘુમાસણ ગામે પૂરું પાડ્યું છે. મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ઘુમાસણ પ્રાથમિક શાળાનું નવનિર્મિત ભવન આશરે ₹4 કરોડના જનભાગીદારી અને દાનના ભંડોળથી તૈયાર કરવામાં આવ્યું છે. આ આધુનિક શાળા ભવનનો નામકરણ અને લોકાર્પણ સમારોહ આજે 20 ડિસેમ્બર, શનિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે યોજાશે.
દાતાઓના ઉદાર હાથે દાનની સરવાણી
આ શાળાના નિર્માણમાં ઘુમાસણના ઉમદા દાતાઓએ શિક્ષણના યજ્ઞમાં આહુતિ આપી છે. જેમાં સૌથી મોટું યોગદાન જીવણસિંહજી જુવાનસિંહજી સોલંકી પરિવારે આપ્યું છે. સોલંકી પરિવારે ₹1.51 કરોડનું માતબર દાન આપતા તેમના માનમાં શાળાનું નામ હવે 'જીવણસિંહજી જુવાનસિંહજી સોલંકી પ્રાથમિક શાળા' રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો
સોલંકી પરિવારની આ પહેલથી પ્રેરાઈને અન્ય દાતાઓ પણ આગળ આવ્યા હતા. રાજપુરની અલેઈમા ઈન્ડિયા પ્રા. લિ. કંપનીએ ₹70 લાખનું યોગદાન આપ્યું છે. સ્વ. શકરીબેન મંગળભાઈ રામદાસ પટેલ પરિવારે વિદ્યાર્થીઓ માટે ભવ્ય ડાઈનિંગ હોલ બનાવવા ₹31 લાખનું દાન આપ્યું છે. તેમજ ગ્રામજનોએ પણ ટીપે ટીપે સરોવર ભરાય તેમ કુલ મળીને આશરે ₹4 કરોડ જેટલું ભંડોળ એકત્ર કર્યું હતું.
મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થનારા આ ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના દિગ્ગજ નેતાઓ અને સંતો પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ડૉ. પ્રદ્યુમનસિંહ વાજા, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ હાજરી આપશે. આધ્યાત્મિક આશીર્વાદ આપવા માટે સાયલાના દુર્ગાદાસજી મહારાજ તેમજ ઝુંડાલ સ્વામિનારાયણ ગુરુકુળના પૂજ્ય શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ ચરણદાસજી પણ ખાસ પધારશે.
આધુનિક સુવિધાઓથી સજ્જ ભવન
મહેસાણા જિલ્લાની આ શાળા હવે ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તેવી સુવિધાઓથી સજ્જ છે. વિશાળ વર્ગખંડો, આધુનિક લેબ, ડાઈનિંગ હોલ અને રમત-ગમતના મેદાન સાથે આ ભવન તૈયાર કરાયું છે. ઘુમાસણ પ્રાથમિક શાળા પરિવાર, એસએમસી (SMC) સભ્યો અને સમગ્ર ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઘટના સાબિત કરે છે કે જ્યારે સરકાર અને સમાજ સાથે મળીને શિક્ષણ પાછળ ખર્ચ કરે છે, ત્યારે આવનારી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બને છે.
