Umiyadham: મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે બિરાજમાન કડવા પાટીદાર સમાજના કુળદેવી માઁ ઉમિયાનું ધામ દેવ દિવાળીના પાવન અવસર અને નવા વર્ષના પ્રારંભ નિમિત્તે ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આજના શુભ દિવસે માઁ ઉમિયાના દર્શન કરવા માટે માઇભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઊમટી પડ્યું હતું.
મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા
કારતક સુદ પૂનમ એટલે કે, દેવ દિવાળીના પાવન દિવસે ઊંઝા સ્થિત કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. માતાજીના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં લાંબી કતારો જોવા મળી હતી.
સંઘ લઇને શ્રદ્ધાળુઓ આવ્યા
પૂનમના પવિત્ર દિવસ પર ઉમિયા ધામ ખાતે પગપાળા સંઘો પણ વાજતે-ગાજતે પહોંચી રહ્યા છે. 'જય મા ઉમિયા' ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.
ટ્રસ્ટ દ્વારા સુવિધા અને ભક્તિમય માહોલ
ભક્તોના આ ભારે ધસારાને ધ્યાનમાં રાખીને ઉમિયાધામ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનમાં સરળતા રહે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. ઉમિયાધામ ખાતે માત્ર દર્શન જ નહીં, પરંતુ ભક્તો માટે ભોજન શાળા (ભોજનાલય) અને રહેવાની સુવિધાઓની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.
દેવ દિવાળી વિશે જાણો
આજનો દિવસ ત્રિપુરોત્સવ અથવા ત્રિપુરારિ પૂર્ણિમા તરીકે પણ ઓળખાતો હોય છે. માન્યતા પ્રમાણે, આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો, તેની ખુશીમાં દેવ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. દેવ દિવાળીના પવિત્ર દિવસે નદીમાં સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. સૂર્યાસ્ત પછી દીપ દાન પણ કરવામાં આવે છે.
