Balasinor News: બાલાશિનોર શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીજન્ય રોગ હિપેટાઈટિસ-એ (કમળો) ના કેસોમાં વધારો થતાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ દ્વારા રોગચાળાને અંકુશમાં લેવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રએ જનતાને ગભરાવાને બદલે સજાગ રહેવા અને પાણી ઉકાળીને પીવા અપીલ કરી છે.

મૃત્યુ અંગે સ્પષ્ટતા અને 'ડેથ ઓડિટ'
તાજેતરમાં મીડિયામાં અહેવાલ થયેલા ત્રણ મૃત્યુના કિસ્સાઓ અંગે વહીવટી તંત્રએ મહત્વની સ્પષ્ટતા કરી છે:
આ પણ વાંચો
- 1) એક મૃતક ભરૂચના રહેવાસી હતા અને તેઓ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા હતા.
- 2) અન્ય બે મૃત્યુના કિસ્સામાં હોસ્પિટલના તમામ મેડિકલ રિપોર્ટ્સ અને પુરાવાઓ એકત્ર કરી લેવામાં આવ્યા છે.
- 3) મરણનું ચોક્કસ કારણ જાણવા માટે મેડિકલ કોલેજ, વડોદરાની એક્સપર્ટ ટીમ બાલાશિનોરની મુલાકાત લેશે. તેમના દ્વારા કરવામાં આવનાર 'ડેથ ઓડિટ' રિપોર્ટ બાદ જ મૃત્યુનું સત્તાવાર કારણ જાહેર કરાશે.

યુદ્ધના ધોરણે હાથ ધરાયેલા સુરક્ષા પગલાં
રોગચાળો ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવી રહી છે:
- સર્વે અને ક્લોરીનેશન: આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ-ટુ-હાઉસ સર્વે કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 59,069 ક્લોરીન ટેબલેટનું વિતરણ કરાયું છે.
- જનજાગૃતિ: 17,665 પત્રિકાઓ દ્વારા લોકોને સ્વચ્છતા અને પાણી ઉકાળીને પીવા અંગે સમજણ આપવામાં આવી છે.
- લાઈન સમારકામ: નગરપાલિકા દ્વારા પીવાના પાણીની લાઈનોમાં જ્યાં લીકેજ છે, ત્યાં તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ કરી દેવાયું છે.
- વૈકલ્પિક વ્યવસ્થા: અસરગ્રસ્ત વિસ્તારો અને શાળાઓમાં પીવાના પાણીની વૈકલ્પિક અને સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

આંગણવાડીઓ બંધ, પણ પોષણ ચાલુ
તકેદારીના ભાગરૂપે બાલાશિનોર શહેરી વિસ્તારના આંગણવાડી કેન્દ્રો હાલ પૂરતા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે, બાળકોના પોષણ સાથે બાંધછોડ ન થાય તે માટે આંગણવાડીનો અલ્પાહાર અને ભોજન સીધું જ બાળકોના ઘરે પહોંચાડવામાં આવી રહ્યું છે.
તંત્ર દ્વારા લેવામાં આવેલા આ કડક પગલાં અને સતત મોનિટરિંગને કારણે સ્થિતિ ટૂંક સમયમાં અંકુશમાં આવે તેવી શક્યતા છે. આરોગ્ય વિભાગે લોકોને વિનંતી કરી છે કે જો કમળાના કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
