Gopal Italia: જૂનાગઢના વિસાવદર તાલુકાના માંડાવડ ગામે મગફળી ખરીદ કેન્દ્ર પર થયેલી માથાકૂટ હવે પોલીસ સ્ટેશન અને રાજકીય અખાડા સુધી પહોંચી છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિતના નેતાઓ સામે શ્રમિકો સાથે મારપીટ, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા અને છેડતીની ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે.

શું છે સમગ્ર વિવાદ?
માંડાવડ કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલતી હતી ત્યારે બારદાન ભરવા જેવી સામાન્ય બાબતે 'આપ'ના કાર્યકરો અને શ્રમિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એએસપી રોહિત ડાગરાના જણાવ્યા અનુસાર, આરોપીઓએ શ્રમિકને માર મારી તેની પત્નીને ધક્કો માર્યો હતો અને અપશબ્દો બોલ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે હરેશ સાવલિયા અને અન્ય બે વિરુદ્ધ BNS ની વિવિધ કલમો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

હારતોળા અને શક્તિપ્રદર્શન સાથે પોલીસ સ્ટેશન કૂચ
ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાયા હોવા છતાં, આજે વિસાવદરમાં અજીબોગરીબ દ્રશ્યો જોવા મળ્યા હતા. ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આરોપી હરેશ સાવલિયા અને અન્ય કાર્યકરોને ફૂલહાર પહેરાવી, વાજતે-ગાજતે રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ઈટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારાઓને ડરાવવા માટે એટ્રોસિટી અને છેડતી જેવા કાયદાનો હથિયાર તરીકે દુરુપયોગ કરી રહી છે.

PI અને ઈટાલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી
પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ ગોપાલ ઈટાલિયા અને મહિલા પીઆઈ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. "છેડતી કઈ રીતે થઈ?" તેનો સવાલ પૂછતા ઈટાલિયા અચાનક મહિલા પીઆઈના પગે પડી ગયા હતા. આ નાટકીય વળાંકથી મહિલા અધિકારી નારાજ થયા હતા અને ઘટનાસ્થળેથી ચાલ્યા ગયા હતા. ઈટાલિયાએ પોલીસ અધિકારીઓને સત્તાના દબાણમાં આવ્યા વગર કામ કરવા અને પોતાનો આત્મા જગાડવા અપીલ કરી હતી.
પોલીસની કાર્યવાહી
જૂનાગઢ નાયબ પોલીસ અધિક્ષક (SC/ST સેલ) રવિસેજસિંહ પરમાર દ્વારા આરોપીઓને BNSSની કલમ-35(3) મુજબ નોટિસ ફટકારી તપાસમાં હાજર રહેવા તાકીદ કરી છે. આ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 75(2), 115(2), 296(બી), 351(૩3), 54 અને એટ્રોસિટી એક્ટની કલમ-3(1)(આર)(એસ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હરેશ સાવલિયા સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

