Saurashtra Unseasonal Rain News: સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા હવામાન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. સિઝનની શરૂઆતથી જ વરસાદની અનિયમિતતાનો સામનો કરી રહેલા ધરતીપુત્રો માટે પાક તૈયાર થયા બાદ વરસેલું આ માવઠું નવી આફત બનીને આવ્યું છે. ભારે પવન અને જોરદાર વરસાદને કારણે ખેતરોમાં ઊભેલા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાવાનો વારો આવ્યો છે.
વીરપુરમાં મરચીનો પાક નષ્ટ
વીરપુર પંથકમાં સતત બીજા દિવસે પણ કમોસમી માવઠાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ભારે પવન સાથે વરસેલા વરસાદને લીધે ખેતરોમાં મરચીના ઊભા પાકના છોડ જમીનદોસ્ત થઈ ગયા છે, તો બીજી તરફ છોડ પરથી મરચીનો પાક ખરી પડતાં ખેડૂતોની આખા વર્ષની મહેનત એળે ગઈ છે.
પોતાની મહેનત અને હજારો રૂપિયાના ખર્ચથી તૈયાર કરેલો પાક કુદરતી આફતની ભેટ ચઢી જતાં વીરપુરના ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ ખેતરમાં જ મરચીના પાકનું પ્રતીકાત્મક 'બેસણું' યોજી પોતાની વેદના વ્યક્ત કરી હતી. આ સાથે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે કરાવીને યોગ્ય વળતર ચૂકવવાની ઉગ્ર માંગ કરી છે.
વીરપુરના ખેડૂત અરવિંદભાઈ વેકરિયાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમણે 8 વીઘા જમીનમાં મરચીનું વાવેતર કર્યું હતું અને વીઘા દીઠ અંદાજે રૂ. 35 થી 40 હજાર જેટલો ખર્ચ કર્યો હતો, પરંતુ પાક તૈયાર થવાના સમયે જ કુદરતી આફતે બધું બરબાદ કરી નાખ્યું. મરચી ઉપરાંત કપાસ, મગફળી અને તુવેર સહિતના પાકોમાં પણ વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેતી પાછળ કરેલો ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બન્યો છે.
તાલાલા પંથકમાં દોઢ ઇંચ વરસાદ
બીજી બાજુ, તાલાલા પંથકમાં પણ છેલ્લા ત્રણ દિવસથી કમોસમી માવઠું વરસી રહ્યું છે. આજે બપોર બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું, જેના કારણે તાલાલા તાલુકાના ધાવા ગીરમાં દોઢ ઇંચ, તાલાલા શહેરમાં પોણો ઇંચ અને ગીરમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયધો હતો.
આ ભારે પવન અને વરસાદને કારણે ખેતરોમાં કાપીને સૂકવવા માટે રાખેલા મગફળીના પાથરા પલળી જતાં મોટાપાયે નુકસાન થયું છે. આ ઉપરાંત, ત્રણ દિવસ દરમિયાન ફુંકાયેલા વાવાઝોડા જેવા તેજ પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાય થઈ ગયા હોવાનું તેમજ ડાળીઓ તૂટી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. સતત થઈ રહેલા વરસાદને કારણે સૌરાષ્ટ્રભરના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
